સૌરાષ્ટ્રના સિદસર ઉમિયાધામના પ્રમુખના રાજીનામાનો વિવાદ વધુ વકરી રહ્યો છે. નકલી ટોલનાકા કાંડમાં ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશીભાઈનું નામ આવતા રાજીનામાની માગ બુલંદ બની છે. આ મુદ્દે પાટીદાર સમાજના 2 જૂથ સામસામા આવી ગયા છે. મનોજ પનારા જૂથે જેરામ પટેલના રાજીનામાની માંગ કરી છે. તો બીજી તરફ SPGના પ્રમુખ લાલજી પટેલે જેરામ પટેલનુ સમર્થન કરી રાજીનામાની વાતને વખોડીને દીકરાની ભૂલ પિતા શા માટે ભોગવે તેવું નિવેદન આપ્યું છે.
મનોજ પનારાએ આપી ચીમકી
રાજકોટમાં કડવા પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં સમાજની બદનામી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખાસ કરીને સિદસર સ્થિત ઉમિયાધામની બેઠક કે જે 6 જાન્યુઆરીના રોજ મળવાની છે. જેમાં પ્રમુખ પદેથી જેરામ પટેલ રાજીનામુ આપે તેવી ચર્ચા ચાલી રહી છે. જેને ધ્યાને લઈને આજની બેઠકમાં આંદોલનના કાર્યક્રમ પર હાલ પુરતી રોક મુકવામાં આવી છે. જો તે રાજીનામુ નહીં આપે તો સૌરાષ્ટ્રના 22 તાલુકામાં બેઠક યોજાશે. સાથે જ જેરામ પટેલના રાજીનામાને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરવામાં આવશે. રાજીનામુ નહીં આપે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. જેરામ પટેલના કાર્યકાળના 13 વર્ષનો હિસાબ ચેરીટી કમિશનર પાસે માંગવામાં આવશે. આવનાર પ્રમુખ સમાજ માટે ટાઈમ,ટિકિટ અને ટિફિન પોતાના ખિસ્સામાંથી ખર્ચી શકે તેવી અપેક્ષા છે. બીજી તરફ લાલજી પટેલે કહ્યું કે જેરામ પટેલના પુત્ર ટોલનાકા કૌભાંડમાં સંડોવાયેલો છે તેમાં પિતાનો શું વાંક ? તેમને સમાજે સજા ન કરવી જોઇએ.
SPGના પ્રમુખ લાલજી પટેલે જેરામ પટેલનુ સમર્થન
જેરામ પટેલના રાજીનામા મુદ્દે પાટીદાર સમાજના 2 જૂથ સામસામા આવી ગયા છે. મનોજ પનારા જૂથે જેરામ પટેલના રાજીનામાની માંગ કરી છે, બીજી તરફ SPGના પ્રમુખ લાલજી પટેલે જેરામ પટેલનું સમર્થન કરી રાજીનામાની વાતને વખોડીને દીકરાની ભૂલ પિતા શા માટે ભોગવે તેવો સવાલ ઉઠાવી ગણતરીના લોકોનો વિરોધ ચાલી ન શકે તેવું નિવેદન કર્યું હતું, જેના કારણે આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.