ટેલિવિઝન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીએ આ દુનિયાને અલવિદા કહી દીધું. મળતી માહિતી મુજબ વર્કઆઉટ દરમિયાન સિદ્ધાંતનું મોત થયું હતું. અભિનેતા માત્ર 46 વર્ષનો હતો અને ઇન્ડસ્ટ્રીમાં સારું કામ કરી રહ્યો હતો. સિદ્ધાંત વીર સૂર્યવંશીનું આકસ્મિક અવસાન ટીવી જગત માટે આઘાતજનક સમાચાર છે. તેઓ લાંબા સમયથી આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા અને ઘણા કલાકારો સાથે તેમના સારા સંબંધો હતા.
આ સીરિયલોમાં જોવા મળ્યો હતો સિદ્ધાંત
સિદ્ધાંતે થોડા સમય પહેલા જ પોતાનું નામ આનંદ સૂર્યવંશી (Anand Surryavanshi)માંથી બદલીને સિદ્ધાંત વીર સૂર્યવંશી કર્યું હતું. સિદ્ધાંતે સીરિયલ 'કુસુમ' દ્વારા ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે 'કૃષ્ણા અર્જુન', 'કસૌટી જિંદગી કી', 'ઝમીન સે આસમાન તક', 'વિરુદ્ધ', 'ભાગ્યવિધાતા', 'ક્યા દિલ મેં હૈ' વગેરે જેવી સીરિયલોમાં જોવા મળ્યો હતો. તેણે સીરિયલ 'ગૃહસ્થી'માં ઋષિનો લીડ રોલ કર્યો હતો.મળતી માહિતી મુજબ, જ્યારે સિદ્ધાંત સવારે વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહીં ડોક્ટરોની ટીમે લગભગ 45 મિનિટ સુધી સિદ્ધાંતની સારવાર કરી અને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ડોકટરો તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.