દેશભરમાં ચકચાર મચાવી દેનારા શ્રદ્ધા મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસ તપાસ દરમિયાન મળેલા શ્રદ્ધાના હાડકાના DNA સેમ્પલ શ્રદ્ધાના પિતાના હાડકા સાથે મેચ થયા છે. દિલ્હી પોલીસે મેહરૌલી અને ગુરુગ્રામના જંગલોમાંથી હાડકાં કબજે કર્યા હતા. સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા હતા. આરોપી આફતાબે પોલીસને આ હાડકાં વિશે જણાવ્યું હતું.
પોલીસને આફતાબના પોલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ મળ્યો
શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં આફતાબે ટેસ્ટમાં પુછાયેલા મોટા ભાગના પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં આપ્યા હતા. આફતાબે પોલીગ્રાફ ટેસ્ટમાં પણ શ્રદ્ધાની હત્યાની કબૂલાત કરી હતી, જોકે એ સમયે તેણે કહ્યું હતું કે તેને હત્યાનો પસ્તાવો નથી. આરોપી આફતાબ અમીન પૂનાવાલાના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટમાંથી પોલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રોહિણીની આંબેડકર હોસ્પિટલમાં સ્થિત FSLના સૂત્રોનું કહેવું છે કે આ રિપોર્ટ દક્ષિણ દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જોકે, પોલીસ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. પોલિગ્રાફ રિપોર્ટમાં પોલીસને ઘણી નવી વસ્તુઓ મળી છે. જોકે, આ ટેસ્ટમાં પણ આફતાબે પોલીસની પૂછપરછ દરમિયાન જે વાત કરી હતી તે જ મોટાભાગની વાતોનું પુનરાવર્તન કર્યું હતું. પરંતુ આ તમામ અહેવાલો પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, પોલીસ કસ્ટડીમાં આરોપીએ આપેલા નિવેદનોને કોર્ટમાં બહુ મહત્વ મળતું નથી. તેથી, આ અહેવાલો પોલીસને આફતાબનો ગુનો કોર્ટમાં સાબિત કરવામાં મદદ કરશે. નાર્કો ટેસ્ટનો રિપોર્ટ પણ ટૂંક સમયમાં તૈયાર કરીને પોલીસને સોંપવામાં આવશે.
શ્રદ્ધાની હત્યા બાદ એક ડોક્ટરને ડેટ કરી
આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ શ્રદ્ધા હત્યા કર્યા બાદ નવી ડેટ કર્યાનો પણ ખુલાસો થયો છે. આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ એક ડોક્ટરને ડેટ કરી હતી. તે આ છોકરીને ડેટિંગ એપ બમ્બલ દ્વારા મળ્યો હતો અને જ્યારે શ્રદ્ધાના શરીરનાં અંગો ફ્રિજમાં રાખવામાં આવ્યાં હતાં ત્યારે તેને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું. દિલ્હી પોલીસે યુવતીની ઓળખ કરી લીધી છે. તે વ્યવસાયે સાઇકોલોજિસ્ટ છે. આફતાબ અને શ્રદ્ધા પણ બમ્બલ એપ પર મળ્યાં હતાં.
શ્રદ્ધા હત્યા કેસ શું છે?
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબ અમીન પૂનાવાલાએ 18 મેની સાંજે તેની 'લિવ-ઇન પાર્ટનર' શ્રદ્ધા વાલ્કર (27)ની કથિત રીતે ગળું દબાવી હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. આરોપીએ શરીરના અંગોને લગભગ ત્રણ અઠવાડિયા સુધી દક્ષિણ દિલ્હીના મહેરૌલી સ્થિત તેના નિવાસસ્થાને એક મોટા ફ્રિજમાં 18 દિવસ સુધી રાખ્યા અને પછી દરરોજ રાત્રે 2 વાગે જંગલમાં મૃતદેહના ટુકડા ફેંકવા માટે જતો હતો. ઘણા દિવસો સુધી તેણે આ રીતે શરીરના અલગ-અલગ ભાગો જંગલમાં ફેંક્યા હતા.