શિવસેનાના ધનુષ અને તીરના ચૂંટણી પ્રતીક માટે લડી રહેલા ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચેનો ગજગ્રાહ હવે શાંત પડતો જણાઈ રહ્યો છે. ચૂંટણી પંચે મંગળવારે એકનાથ શિંદે જૂથને ચૂંટણી ચિહ્ન જારી કર્યું છે. પંચે શિંદે જૂથને બે તલવારો અને એક ઢાલનું પ્રતીક ફાળવી આપ્યું છે. આ પહેલા સોમવારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને ટોર્ચનું નિશાન ફાળવી આપ્યું હતું તે ઉપરાંત ઉદ્ધવને પાર્ટીનું નવું નામ પણ મળ્યું હતું. ચૂંટણી પંચે ઉદ્ધવને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે રાખવાની પણ મંજૂરી આપી છે.
જુના ચૂંટણી પ્રતિક 'ધનુષ-બાણ'નું શું થશે?
શિવસેના પાર્ટીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે શનિવારે (8 ઓક્ટોબર) શિવસેનાના ધનુષ અને તીરના પ્રતીકને ફ્રીઝ કરી દીધું હતું. ચૂંટણી પંચે 3 નવેમ્બરે અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણીમાં પક્ષના નામ અને ચૂંટણી ચિન્હ'ધનુષ-બાણ'નો ઉપયોગ કરવા પર બંને પક્ષોને પ્રતિબંધ લગાવ્યો હતો. હવે બંને જૂથને નવા ચૂંટણી પ્રતિક મળી ગયા છે અને પંચે એક ફાઈનલ નામ પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. ત્યારે ઉદ્ધવ કે શિંદે બંને જૂથમાંથી હવે કોઈ પણ મૂળ શિવસેના અને તેના નિશાન ધનુષ-બાણ પર ચૂંટણી લડી શકશે નહીં.