હિંદુ ધર્મમાં દરેક તિથી તેમજ તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દરેક તિથી કોઈને કોઈ ભગવાન સાથે જોડાયેલી હોય છે. ત્યારે શ્રાવણ માસ, માસિક શિવરાત્રી, મહાશિવરાત્રી તેમજ પ્રદોષના વ્રત મહાદેવને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથીના રોજ ઉજવવામાં આવે છે.
મહા મહિનામાં આવતી શિવરાત્રીને કહેવાય છે મહાશિવરાત્રી
શિવરાત્રી તો દર મહિને આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં માત્ર એક વખત આવે છે. 18 ફેબ્રુઆરીના રોજ આ વર્ષે મહા શિવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. આ તહેવારને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને ભક્તો આ પર્વને ધામધૂમથી ઉજવે છે. મહા વદ ચૌદશના દિવસે મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જાણીએ મહાશિવરાત્રી પર ભગવાન શંકરને અતિપ્રિય કેમ છે.
મહાશિવરાત્રી અંગે શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ
મહાશિવરાત્રી માટે શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન સદાશિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શંકર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. બીજી પૌરાણીક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે શિવ અને શક્તિ એક થયા હતા. ભગવાન શંકર અને માતાજી વિવાહના બંધનમાં બંધાયા હતા. મહાશિવરાત્રીના દિવસે અનેક સ્થળો પર શિવજીની સવારી પણ કાઢવામાં આવે છે. એવી માન્યતા છે આ દિવસે વિવાહ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે.
ત્રીજી પૌરાણીક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે 12 જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા. જેમાં સોમનાથ, મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ભીમાશંકર સહિતના જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા. મહાશિવરાત્રીએ આ 12 જ્યોતિર્લિંગ પ્રગટ થયા તે માટે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં ઉત્સાહ સાથે ઉજવામાં આવે છે.