મહારાષ્ટ્રમાં શિવસેના પાર્ટીના ચૂંટણી પ્રતિકને લઈને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ વધી છે. આજે સોમવારે (10 ઓક્ટોબર) ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના પ્રતીક અને નામ પર ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. શિવસેનાને લઈને બે જૂથો (ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી રાજકીય લડાઈ ચાલી રહી છે. બાળાસાહેબ ઠાકરેની અસલી શિવસેના છે તેવો દાવો બંને જુથ કરી રહ્યા છે.
શા માટે ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો?
ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથ અને તેમના હરીફ તથા રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથને મુંબઈના અંધેરી પૂર્વમાં આગામી પેટાચૂંટણી માટે નવું નામ અને નવું પ્રતીક પસંદ કરવા જણાવ્યું છે. ચૂંટણી પંચે અગાઉ સ્પર્ધકોને પક્ષના નામ અને ચિહ્ન પરના તેમના દાવાને સમર્થન આપવા માટે 8 ઓગસ્ટ સુધીમાં દસ્તાવેજોના પુરાવા સબમિટ કરવા કહ્યું હતું.
આ વિવાદમાં અગાઉ, શિવસેનાના એકનાથ શિંદે જૂથે 4 ઓક્ટોબરે અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ પાસે ધનુષ અને તીરનું ચિહ્ન માંગ્યું હતું. તે જ સમયે, ઉદ્ધવ ઠાકરે જૂથની વિનંતીની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. શનિવારે ઉદ્ધવ ઠાકરે જૂથે તેનો જવાબ આપ્યો અને પ્રતિસ્પર્ધી જૂથ દ્વારા રજુ કરેલા દસ્તાવેજોને કાળજીપૂર્વક તપાસવા માટે વધુ ચાર અઠવાડિયાનો સમય માંગ્યો. જો કે આજે ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના પ્રતીક અને નામ પર ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને તેમને ધનુષ અને તીરનું ચિહ્ન મળે તે માટે કોર્ટમાં અપીલ કરી હતી.