છેલ્લા લાંબા સમયથી મહારાષ્ટ્રમાં શિવસેના પક્ષના નામને લઈ અને ચૂંટણી ચિન્હને લઈ ઉદ્ધવ ઠાકરે તેમજ એકનાથ શિંદે વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ ચૂંટણીપંચે આ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના તરીકે સ્વીકારી લીધું છે ઉપરાંત શિવસેનાના પ્રતીકનો ઉપયોગ કરવાની પણ અનૂમતી આપી છે. આ નિર્ણયને એકનાથ શિંદેના જૂથે સ્વીકાર્યો છે જ્યારે ઠાકરે જૂથ આ નિર્ણયને લઈ અસહેમત છે.
ધનુષબાણનું ચિહ્ન શિંદે જૂથને મળ્યું
આ અંગે ચૂંટણીપંચને જાણવા મળ્યું હતું કે શિવસેનાનું હાલનું બંધારણ અલોકતાંત્રિક છે. ઠાકરે જૂથની પાર્ટીમાં કોઈ પણ જાતની ચૂંટણી વિના લોકોની નિમણૂંક કરવામાં આવી હતી. શિવસેનાના મૂળ બંધારણમાં અલોકતાંત્રિક પદ્ધતિઓને ગુપ્ત રીતે પાછી ખેચી લેવામાં આવી છે. આ કારણે ખાનગી જાગીર જેવી બની ગઈ હતી. આ પદ્ધતિને ચૂંટણીપંચ વર્ષ 1999માં અમાન્ય કરી ચૂકી છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી શિવસેના પર ઉદ્ધવ ઠાકરે જૂથની દાવેદારી સમાપ્ત થઈ ગઈ છે.
એકનાથ શિંદે તેમજ દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રિયા
ચૂંટણીપંચના આ નિર્ણયને એકનાથ શિંદેએ આવકાર્યો છે. તેમણે કહ્યું કે આ દેશ બાબાસાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરવામાં આવેલા બંધારણ પર ચાલે છે. અમે બંધારણના આધારે અમારી સરકાર બનાવી છે. જે આદેશ ચૂંટણીપંચે આપ્યો છે તે યોગ્યતાના આધારે આપ્યો છે. હું ચૂંટણીપંચનો આભાર વ્યક્ત કરુ છું. તે સિવાય મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સીએમ એકનાથ શિંદેની શિવસેનાને શિવસેનાનું પ્રતીક અને નામ મળ્યું છે. અસલી શિવસેના એકનાથ શિંદેની શિવસેના બની છે.
શું શિવસેનાની સંપત્તિ પરથી હાથ ધોવો પડશે ઉદ્ધવ ઠાકરેને?
આ નિર્ણયને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેને શિવસેનાની બધી સંપત્તિ પરથી હાથ ધોવો પડશે. એડીઆરના આંકડા અનુસાર 2019-20માં શિવસેનાની પાસે 148.46 કરોડ જેટલાની એફડી અને 186 કરોડ જેટલી સંપત્તિ હતી. શિંદે જૂથ પાસે આ સંપત્તિ આવી જશે. મળતી માહિતી અનુસાર બાલા સાહેબે પોતાની વસીહતમાં મુંબઈ ખાતે સ્થિત માતોશ્રીના ત્રણ માળના ભવનનો પહેલા માળ જયદેવના નામે તેમજ બીજો અને ત્રીજો માળ ઉદ્ધવના નામે કર્યું હતું પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર શિવસેના માટે રાખ્યું હતું. હવે ગ્રાઉન્ડ ફ્લોર પરનો માલિકીનો હક ઉદ્ધવ પાસેથી જતો રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.
આ નિર્ણય લોકતંત્ર માટે ઘાતક છે - ઉદ્ધવ ઠાકરે
ચૂંટણીપંચના આ નિર્ણય પર ઉદ્ધવ ઠાકરેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે દેશમાં લોકતંત્ર ખતમ થઈ ગયું છે. પાર્ટી કોની છે, આ ચૂંટાયેલા લોકો નક્કી કરશે તો સંગઠનનો મતલબ શું રહેશે. ચૂંટણીપંચના આ નિર્ણય લોકતંત્ર માટે ઘાતક છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. દેશમાં સરકારની દાદાગીરી ચાલી રહી છે. હિમ્મત હોય તો ચૂંટણીમેદાનમાં આવો અને ચૂંટણી લડો. ત્યાં જનતા બતાવી દેશે કે અસલી કોણ છે અને નકલી કોણ છે.
દેશ તાનાશાહી તરફ અગ્રેસર - સંજય રાઉત
તે ઉપરાંત સંજય રાઉતે ટ્વિટ કરી કહ્યું કે આની સ્ક્રીપચ પહેલેથી તૈયાર હતી. દેશ તાનાશાહી તરફ વધી રહ્યું છે. કહેવામાં આવ્યું હતું કે ફેસલો અમારા પક્ષમાં આવશે, પરંતુ હવે એક ચમત્કાર થયો છે. ઉપરથી નીચે સુધી પાણીની માફક કરોડો રૂપિયા વહાવ્યા છે. પરંતુ અમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જનતા અમારી સાથે છે.અને જનતાના દરબારમાં નવું પ્રતીક લઈને જઈશું અને ફરીથી શિવસેના ઉભી કરીને બતાવીશું, આ લોકતંત્રની હત્યા છે.