નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. ગણતરીના દિવસો બાકી હોવાને કારણે પાર્ટી પ્લોટમાં, શેરીઓમાં નવરાત્રી આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મહિલાઓની સાથે કોઈ ગેરવર્તન ન થાય તે માટે મહિલા પોલીસને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. મહિલાઓ જ્યારે ઘરથી દૂર ગરબા રમવા જતી હોય છે ત્યારે તેમની સાથે કોઈ છેડતીનો બનાવ ન બને તે માટે મહિલા પોલીસની ટીમને તૈયાર કરવામાં આવી છે. સિવિલ ડ્રેસમાં તેમજ ટ્રેડિશનલ કપડા પહેરી સી ટીમ તેનાત રહેશે.
2 વર્ષ બાદ ગરબે ઘૂમશે ખેલૈયાઓ
કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષથી ગરબાનું આયોજન થઈ રહ્યું ન હતું. ત્યારે આ વખતે કોરોના સંક્રમણ ઘટતા ગરબે ઘૂમવા મળશે. ત્યારે ગરબા દરમિયાન મહિલા સાથે અનિચ્છનિય બનાવ ન બને તે માટે અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈ સી ટીમ તૈયાર કરવામાં આવી છે. ગરબા રમતી વખતે મહિલાઓ સાથે છેડતીના બનાવ ન બને તે માટે સિવિલ ડ્રેસમાં તેઓ ગરબામાં હાજર રહેશે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહિલા સાથે ગેરવર્તન ન થાય તેનું રખાશે ધ્યાન
રાજ્ય સરકારે પણ ખેલૈયાઓના જુસ્સામાં વધારો કરતા દશેરા સુધી લાઉડસ્પીકરને રાત્રીના 12 વાગ્યા સુધી વગાડવાની પરવાનગી આપી છે. રાત્રે ઘરે જતી વખતે મહિલાઓને મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા કરવામા આવી છે. જો કોઈ અસમાજીક તત્વ મહિલા સાથે ગેરવર્તન કરતો પકડાશે તો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમને તૈયાર કરવામાં આવી છે.