ભારતીય શેર બજારમાં આવતી કાલે એટલે કે સોમવારે મોટા ઘટાડાની આશંકા જોવા મળી રહી છે. લાંબી તેજી બાદ માર્કેટ થોડું ઘટે તેવું આંતરરાષ્ટ્રિય ઘટનાઓ પરથી જણાઈ રહ્યું છે. અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જેક્સન હોલમાં સંબોધન કરી આસમાને આંબતી મોંઘવારીને કાબુમાં લેવા માટે વ્યાજ દરોને વધારવા તથા વધુ કડક વલણ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેની અસર અમેરિકાના શેર બજાર પર શુક્રવારે જ જોવા મળી હતી. જેરોમ પોવેલના નિવેદન બાદ ડાઉ જોન્સમાં 1008.38 પોઈન્ટ (3.03%)નો કડાકો જોવા મળ્યો હતો. હવે આ ઘટાડાની અસર સોમવારે ભારતીય શેરબજારમાં પણ જોવા મળે તેવી સંભાવના છે.
GDP અને વાહન વેચાણના આંકડા થશે જાહેર
આ સપ્તાહે ભારતની GDPના આંકડા અને વાહન વેચાણના આંકડા જાહેર થશે. બજારની નજર પણ આ બંને આંકડા પર રહેશે. તે સાથે જ બજારની નજર ક્રૂડ ઓઈલની કિંમત, ડોલર ઈન્ડેક્સ, પીએમઆઈના આંકડા પણ જાહેર થશે. ભારત સહિત વૈશ્વિક શેર બજારો પણ અમેરિકાના માર્કેટ પર બાજ નજર રાખશે.
વિદેશી રોકાણકારો પર રહેશે નજર
નિષ્ણાતોના મતે વિદેશી સંસ્થાગત રોકાણકારોનું વલણ, રૂપિયા-ડોલરનો ઉતાર-ચઢાવથી પણ બજાર પર અસર થશે. ગત સપ્સાહે બીએસઈ સેન્સેક્સનો 30 શેરવાળો સેન્સેક્સ 812.28 પોઈન્ટ એટલે કે 1.36 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 199.55 પોઈન્ટ એટલે કે 1.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.