વૈશ્વિક શેરબજારોમાં નબળાઈને કારણે સપ્ટેમ્બરના પ્રથમ દિવસે ભારતીય શેરબજારોમાં પણ કડાકો બોલાયો હતો. ગુરુવારે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન પણ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. દિવસની અસ્થિરતા પછી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 770.48 પોઇન્ટ (1.29 ટકા) ઘટીને 58,766.59 પર બંધ થયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 216.50 પોઈન્ટ્સ અથવા 1.22 ટકા ઘટીને 17,542.80 પર બંધ થયો હતો.
મોટાભાગના સેક્ટર કકડભૂસ
શેરબજારમાં મોટા ભાગના સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. ઓટો, રિયલ એસ્ટેટ જેવા સેક્ટર જ લીલા નિશાનમાં બંધ થયા. બીજી તરફ FMCG સિવાય આઈટી, બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઓઈલ એન્ડ ગેસ, મીડિયા સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. જોકે, મિડકેપ અને સ્મોલ કેપ શેરોના સૂચકાંકો લીલા નિશાનમાં બંધ રહ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 12 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે 38 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ેસેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 7 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા, 23 લાલ નિશાનમાં બંધ થયા હતા. બેન્ક નિફ્ટીના તમામ 12માંથી 7 શેર લાલ નિશાનમાં અને 5 લીલા નિશાનમાં બંધ થયા છે.
આ શેરમાં થઈ સૌથી વધુ વધ-ઘટ
શેરબજારમાં સૌથી વધુ ઘટેલા શેરો પર નજર કરીએ તો, રિલાયન્સ 2.79 ટકા, ટીસીએસ 2.32 ટકા, સન ફાર્મા 2.21 ટકા, ટેક મહિન્દ્રા 1.92 ટકા, ઇન્ફોસિસ 1.75 ટકા, એનટીપીસી 1.74 ટકા, એચયુએલ 1.73 ટકા, એચડીએફસી 1.64 ટકા, પાવર ગ્રીડ 1.7 ટકા તૂટ્યો છે. તે જ પ્રકારે વધેલા શેરો પર નજર કરીએ તો, બજાજ ફિનસર્વ 2.58 ટકા, ભારતી એરટેલ 1.03 ટકા, ટાઇટન કંપની 0.93 ટકા, એસબીઆઈ 0.56 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.81 ટકા, મહિન્દ્રા 0.28 ટકાના વધારા સાથે બંધ થયા છે.