જેડીયુના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન થયું છે. આ અંગેની માહિતી તેમની પુત્રીએ ટ્વિટ કરીને આપી હતી. 75 વર્ષે ગુરૂગ્રામની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. થોડા કલાકો બાદ તેમના નિધનના સમાચાર સામે આવ્યા. તેમના નિધનના સમાચાર આપતા તેમની પુત્રીએ લખ્યું કે પપ્પા નથી રહ્યા.
રાજકીય જગતમાં વ્યાપી શોકની લાગણી
બિહારની રાજનીતિમાં શરદ યાદવ અલગ જ ઓળખ ઉભી કરી છે. નિતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ બંનેની સાથે રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખરાબ તબિયતને કારણે તેઓ રાજનીતિથી દુર થઈ ગયા હતા. તેમના નિધનના સમાચાર આવતા રાજનીતિ જગતમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. તેમના અંતિમ સંસ્કાર મધ્યપ્રદેશમાં કરવામાં આવશે. તેમના નિધનના સમાચાર સામે આવતા અનેક દિગ્ગજ નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.
અનેક દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યું કે શરદ યાદવના નિધનના સમાચાર સાંભળી દુ:ખ થયું. લાંબા સમય સુધી તેઓ સાર્વજનિક જીવનમાં તેમણે પોતાને સાંસદ અને મંત્રીના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિધનના સમાચાર સાંભળી ખુબ દુ:ખ થયું. શરદ યાદવ સાથે મારા ગહેરા સંબંધ હતા. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે. તે ઉપરાંત લાલુ યાદવ, રાષ્ટ્રપતિ, બિહારના ઉપમુખ્યમંત્રી સહિતના અનેક નેતાઓએ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે.