અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે. રામ ભગવાનની પ્રતિમા શાલિગ્રામ પથ્થરથી બનાવામાં આવવાની છે. ત્યારે નેપાળથી શાલીગ્રામ પથ્થર ભારત આવી પહોચ્યા છે. પૂજા વિધી કર્યા બાદ આ શાલિગ્રામ પથ્થરને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને સોંપવામાં આવી હતી. બુધવાર રાત્રે નેપાળના જનકપુરથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા આવ્યા હતા. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. અયોધ્યા ખાતે શિલાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
ઢોલ-નગારા સાથે કરાયું શિલાનું સ્વાગત
ભગવાન રામ પર અનેક ભકતો આસ્થા રાખતા હોય છે. નેપાળથી 373 કિલોમીટર અને 7 દિવસની યાત્રા કરી આ પથ્થર ભારત આવી પહોચ્યા છે. શાલિગ્રામ પથ્થરનું સ્વાગત કરવા સરયુ નદીના પુલ પર 2-3 હજાર લોકો હાજર રહ્યા હતા અને ઢોલ નગારા સાથે શિલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાલિગ્રામના સ્વાગત દરમિયાન જય શ્રી રામના નારા લાગ્યા હતા. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, અનિલ મિશ્ર સહિતના અનેક ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.
પૂજા-વિધી કર્યા બાદ નેપાળથી રવાના થયા હતા પથ્થર
ભારી સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે શીલાને રામસેવક પુરમ ખાતે મુકવામાં આવ્યા હતા. તે બાદ વૈદિક રીતે પથ્થરની પૂજા અર્ચના કરવામાં આવી અને આરતી પણ કરવામાં આવી હતી.આ પથ્થરોને નેપાળની પવિત્ર ગંડકી નદીમાંથી કાઠવામાં આવે છે. નેપાળમાં આ શિલાની પૂજા અર્ચના કરવામાં આવી હતી જે બાદ ભારત આવવા માટે યાત્રા શરૂ કરવામાં આવી હતી. બિહારના રસ્તે થઈ યુપીના કુશીનગર અને ગોરખપુર થઈ બુધવારે અયોધ્યા પહોંચ્યા હતા.