રામ મંદિરને લઈને રાજકારણ ગરમાયુ છે. રામ મંદિરના પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવના આમંત્રણને લઈને ભાજપ અને કોંગ્રેસ અમને સામને આવી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને ભાજપની ઈવેન્ટ ગણાવીને કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશના નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) આજે મીડિયાને આ અંગે પ્રતિક્રિયા આપીને પોતાની વાત સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યુ છે કે, મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી ત્યારે કોઇ રાજકીય ફાયદા માટે ભાજપ કાર્યક્રમ કરે છે. તેનો હિસ્સો ના થઈ શકાય. તેમણે કહ્યું કે અમે પુરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું. સાથે સાથે જ શક્તિસિંહ ગોહિલે એવું પણ કહ્યું હતું કે ભાજપ ઇવેન્ટ કરી રહી છે અને આ ઇવેન્ટના ભાગીદાર અમે બનવા નથી માંગતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ભાજપ ચૂંટણી આવી રહી છે એટલે રામને વટાવે છે. આ પ્રસંગે તેમણે ભાજપના નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પણ ઝાટકણી કાઢી હતી.
શું કહ્યું શક્તિસિંહ ગોહિલે?
શક્તિસિંહ ગોહિલે આજે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં કોઈપણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્ર મુજબ, આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજનો હોય છે. શંકરાચાર્યજી મહારાજ જ્યારે એવું કહેતા હોય કે જે મંદિરનું કામ હજુ પૂર્ણ નથી થયું તેની પ્રતિષ્ઠા ન કરી શકાય. હું પોતે એક હિન્દુ છું. મારા માટે સર્વોત્તમ શબ્દોએ શંકરાચાર્યજી મહારાજના જ છે. જ્યારે શંકરાચાર્યજી મહારાજ આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રામના નામે મત લેવા માટે પોલિટિકલ ઈવેન્ટ કરે છે.
અલ્પેશ ઠાકોરના પર બગડ્યા શક્તિસિંહ
ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ રાવણની વિચાર ધારા રાખે છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે કે અલ્પેશ ઠાકોર પહેલા જયારે કોંગ્રેસમાં હતા ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપ વિશે કેવા પ્રહારો કરતા હતા તે જોઈ લો.