આજથી માં આદ્યશક્તિને પ્રિય એવી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રી દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ નોરતે માં શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. હિમાલયની પુત્રી હોવાથી તેમને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં સ્થિરતા આવે છે. દ્રઢ મનોબળ મેળવવા માંને પ્રાર્થના કરવી જોઈએ. માતા શૈલપુત્રીને પ્રકૃતિનું સ્વરૂપ માનવામાં આવે છે.
આ મંત્રથી માં શૈલપુત્રી થાય છે પ્રસન્ન
નવરાત્રીમાં ચંડીપાઠના પાઠનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ચંડીપાઠ કરવાથી માતા પ્રસન્ન થાય છે. જો ચંડીપાઠ ન થાય તો માતા શૈલપુત્રીના વિશેષ મંત્રનો જાપ કરી તેમની આરાધના કરી શકાય છે. માં શૈલપુત્રીનો મંત્ર -
वन्दे वांछितलाभाय चंद्राद्र्धकृतशेखराम।वृषारूढ़ा शूलधरां शैलपुत्रीं यशस्विनीम।।
અર્થાત- હે માં તમે બધા મનુષ્યોને મનોવાંછિત ફળ આપનારા છો. વૃષભ પર સવાર થઈ તમે ત્રિશુળ અને કમળ ધારણ કરી ભક્તોને આશીર્વાદ આપો છો. તમારા ભાલમાં પર ચંદ્ર શોભે છે. હે જગદંબા તમે યશસ્વિની છો. તમે સમસ્ત જગતને યશ તેમજ તમામ સુખ આપનારા છો. તમે ભક્તોનું રક્ષણ કરનાર છો. માતા શૈલપુત્રીને સફેદ રંગ વધારે પ્રિય છે. પ્રથમ દિવસે સફેદ વસ્ત્ર પહેરવાથી માતા શૈલપુત્રી જલ્દી પ્રસન્ન થાય છે.
પ્રથમ દિવસે કયું નૈવેદ્ય માંને કરાય છે અર્પણ
નવરાત્રીના નવ દિવસ દરમિયાન અલગ અલગ ભોગ માંને અર્પણ કરવામાં આવે છે. ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે નૈવેદ્ય તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે છે. ઘીનો ભોગ ધરાવવાથી તમામ રોગોમાંથી મનુષ્યને મુક્તિ મળે છે.