ગુજરાતમાં ગોધરાકાંડ બાદ 2002ના કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા તે વખતે બિલ્કીસ બાનો પર ગેંગરેપ થયો હતો. આ કેસના 11 દોષિતોને સજાના નિર્ધારીત સમય પહેલા મુક્તી આપવામાં આવી હતી. તેમાનાં એક દોષિત શૈલેષ ભટ્ટ શનિવારે એક સરકારી કાર્યક્રમમાં ભાજપના દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડાના ભાજપના ધારાસભ્ય શૈલેષ ભાભોર સાથે મંચ પર જોવા મળ્યા હતા. જાહેર મંચ પર બળાત્કારના દોષિતની હાજરીના કારણે રાજકારણ રાજકારણ ગરમાયું છે.
સરકારી કાર્યક્રમમાં કેમ ગેંગરેપનો દોષિત કેમ?
બિલ્કિસ બાનો ગેંગરેપના કેસના દોષિત 63 વર્ષીય શૈલેષ ભટ્ટે, દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કરમડી ગામમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી. દાહોદ જિલ્લા માહિતી વિભાગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમની તસ્વીરોમાં જશવંતસિંહ ભાભોર અને સીંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ કાંતા ડામોર વચ્ચે શૈલેષ ભટ્ટ આગળની હરોળમાં બેઠા હતા. ભાજપના સાંસદ અને ધારાસભ્યની બાજુમાં બળાત્કાર કેસનો દોષિત બેઠેલો જોવા મળ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શૈલેષ ભટ્ટને આ કાર્યક્રમમાં કોણે આમંત્રણ આપ્યું હતું?
શૈલેષ ભટ્ટ સહિત ગેંગરેપના 11 દોષિત
અત્રે ઉલ્લેખનિય છે કે ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા. ઉશ્કેરાયેલું ટોળું બિલકીસ બાનોના ઘરમાં ઘૂસી ગયું હતું. ટોળાથી બચવા માટે બિલકીસ બાનો પોતાના પરિવાર સાથે ખેતરમાં છુપાઈ ગયો હતો. તોફાનીઓએ ગર્ભવતી બિલકિસ પર દુષ્કર્મ આચર્યું હતું. તે ઉપરાંત અન્ય ત્રણ મહિલા સાથે બળાત્કાર આચર્યો હતો. તે ઉપરાંત 17 પરિવારજનોમાંથી 7 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં માત્ર બિલકિસ, એક પુરૂષ અને ત્રણ વર્ષનો બાળક બચી ગયા હતા. આ ગેંગરેપ કેસમાં 2004માં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી 2008માં સીબીઆઈની વિશેષ કોર્ટ દ્વારા 11 દોષિતોને 11 વર્ષની સજા ફટાકારવામાં આવી હતી. આ 11 દોષિતોમાં શૈલેષ ભટ્ટનો પણ સમાવેશ થતો હતો. બિલકીસબાનો ગૅંગરેપ કેસના 11 દોષિતો ગોધરા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા. આ લોકોને ગુજરાત સરકારની સજામાફી નીતિ હેઠળ ગત વર્ષે 15મી ઑગસ્ટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ તમામ દોષિતોને સજાની મુદ્દત પુરી થાય તે પહેલા જ મુક્તી આપવામાં આવી હતી. જ્યારે તેઓ તેમના જેલ બહાર આવ્યા ત્યારે જેલ બહાર મીઠાઈ અને હાર પહેરાવી, ફટાકડાં ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બિલકિસ બાનોએ આ સજા મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.