જ્યારે કોઈ વ્યક્તિ બિમાર થાય ત્યારે તે સારવાર કરાવા હોસ્પિટલ જતો હોય છે. બાળકોની ડિલીવરી પણ હોસ્પિટલમાં થતી હોય છે. પરંતુ ઘણી વખત હોસ્પિટલ વાળાથી એવી ગંભીર બેદરકારી ગણો કે ભૂલ ગણો તે કરવામાં આવે છે જેને કારણે કોઈના શ્વાસ અધ્ધર થઈ જાય. અમે વાત કરી રહ્યા છીએ વલસાડ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ગંભીર ભૂલની. હોસ્પિટલ દ્વારા નવજાત બાળકોની અદલા બદલી કરવામાં આવી છે તેવા આક્ષેપો પરિવારના સભ્યોએ લગાવ્યા છે.
અધૂરા માસનો હોવાને કારણે બાળકને રખાયો હતો કાચની પેટીમાં
સમગ્ર ઘટનાની વાત કરીએ તો 10 દિવસ પહેલા ડિલિવરી માટે કપરાડાની એક યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી. હોસ્પિટલ ગયા બાદ થોડી જ મિનીટોની અંદર તેણે અધૂરા માસના બાળકને જન્મ આપ્યો. અધૂરા માસનો બાળક હોવાને કારણે કાચની પેટીમાં તેને રાખવામાં આવ્યો હતો. ડિલીવરી બાદ હોસ્પિટલના સ્ટાફે પરિવારને કહ્યું કે બેબી બોયનો જન્મ થયો છે. અધૂરા માસના બાળકની 10 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી પરંતુ જ્યારે સારવાર બાદ પરિવારને બાળક સોંપવામાં આવ્યો તે બેબી બોય નહીં પરંતુ બેબી ગલ હતી. પરિવારને નવજાત બાળકી આપવામાં આવી. છોકરાની જગ્યાએ છોકરી મળતા પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો. પરિવારજનો વિફર્યા હતા.
હોસ્પિટલના સ્ટાફે પરિવારને પુત્રની બદલીમાં પુત્રી પકડાવી દીધી
સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકની અદલીબદલી કરવામાં આવી છે તેવા આક્ષેપો પરિવારવાળાએ લગાવ્યા હતા. પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે બબાલ કરી હતી જેને કારણે માહોલ ગરમાયો હતો અને જ્યારે આ મામલે આગળ વાત કરવામાં આવી ત્યારે ગોળગોળ જવાબ આપવામાં આવ્યા હતા.
આ મામલે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કરાશે કાર્યવાહી
આ મામલે તપાસ કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી અને ખાતરી આપવામાં આવી છે. આવી ગંભીર ભૂલ પાછળ જવાબદાર કોણ? છોકરાની બદલીમાં છોકરી કેમ પધરાવવામાં આવી તે એક મોટો પ્રશ્ન છે. બાળકોની અદલાબદલીનું શું કારણ હતું? હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ગંભીર ભૂલ માટે જવાબદાર કોણ? અનેક સવાલો ઉઠી રહ્યા છે. હોસ્પિટલના સત્તાધીશો હાલ તપાસ કરી રહ્યા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓએ તપાસની ખાતરી આપી છે પરંતુ હાલ બાળકોની અદલાબદલી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.