ગુજરાતને વિકાસના મોડલ તરીકે દેશભરમાં તેમજ વિશ્વમાં પ્રસ્થાપિત કરવામાં આવતું હોય છે. દરેક જગ્યાઓ પર ગુજરાત મોડલનું ઉદાહરણ આપવામાં આવતું હોય છે. સર્વ શિક્ષા અભિયાનની વાતો કરવામાં આવે છે, અનેક એવી યોજનાઓ જે પેપર પર સો ટકા પૂર્ણ થઈ ગઈ હોય છે પરંતુ વાસ્તવિક્તા કંઈક અલગ હોય છે. એવા એનક ઉદાહરણો આપણી સામે છે. યોજનાઓ જ્યાં સુધી છેવાડાના ગામમાં વસતા લોકો સુધી નથી પહોંચતી ત્યાં સુધી તે યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે તે માનવું અશક્ય છે. અમે વાત કરી રહ્યા છીએ સર્વ શિક્ષા અભિયાનની..
વાસ્તવિક્તા બતાવવાનો અમારો છે પ્રયાસ
અનેક લોકોને લાગતું હોય છે કે અમારે ત્યાં નેગેટિવ સમાચારો બતાવવામાં આવે છે, વાત એકદમ ખોટી પણ નથી, અમે નેગેટિવ સમાચારો નહીં પરંતુ વાસ્તવિક્તા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. સારી વાતો તો અનેક માધ્યમો થકી તમારા સુધી પહોંચતી હશે પરંતુ ઘટનાનું જે બીજું પાસુ હોય છે તે પહોંચાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અસલિયત અનેક વખત જે દર્શાવવામાં આવતું હોય છે તેનાથી વિપરીત પણ હોઈ શકે છે.
અભ્યાસ માટે જીવના જોખમે વિદ્યાર્થીઓ કરે છે મુસાફરી
શિક્ષણનો મુદ્દો અમે અનેક વખત ઉઠાવ્યો છે. કારણ કે જો ભાવિનું ભવિષ્ય ખતરામાં હશે તો દેશનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત હશે? અમે અનેક વખત એવું પણ કહ્યું છે કે ગામડાના વિદ્યાર્થીઓમાં કંઈક કરી બતાવવાની, પોતાને સાબિત કરવાનો એક સ્પાર્ક તેમનામાં હોય છે. ભણવા માટે તેમને એટલો સંઘર્ષ કરવો પડતો હોય છે જે શહેરમાં વસતા લોકોને તેમજ વિદ્યાર્થીને કદાચ ખ્યાલ પણ નહીં આવે. ગામડાઓમાં અભ્યાસ કરી શકે તેવી શાળાઓ હોતી નથી. જેને કારણે અનેક કિલોમીટર દૂર તેમને ભણવા જવું પડતું હોય છે. અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં છકડામાં ઘેંટાની જેમ બાળકોને ભર્યા છે. રિક્ષાની ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓ હોવાને કારણે તેમના જીવ પર જોખમ તોડાતું રહે છે. આ વીડિયો છોટા ઉદેપુરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જે વાહન મળે તેમાં બેસી શાળાએ પહોંચવું વિદ્યાર્થીનું છે લક્ષ્ય!
વીડિયો જોઈ આપણને મનમાં થતું હશે કે છડકાવાળાને કેટલી લાલચ છે કે તે આટલા વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાખે છે. પરંતુ આમાં પણ વાસ્તવિક્તા કંઈક અલગ હોઈ શકે છે. છકડાવાળાએ કદાચ વિદ્યાર્થીઓનું સારૂં પણ વિચાર્યું હોય. ગામડાઓમાં કલાકોમાં એક કદાચ બસ આવતી હોઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે શાળાએ જવું ખૂબ જરૂરી છે. બસ નહીં તો જે વાહન મળે તેમાં બેસી જવું તે તેમના માટે મહત્વનું છે.
આ વિદ્યાર્થીઓનો સંઘર્ષ કદાચ આપણે નહીં સમજી શકીએ...
છકડામાં લટકીને જતા વિદ્યાર્થી માટે જીવ કરતા અભ્યાસ મહત્વનો છે. શિક્ષા તે બાળકો માટે પ્રાથમિક્તા છે પરંતુ તેમની પ્રાથમિક્તા માટે બોલનારૂં કોઈ નથી. ભણવા માટે ગામડાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતો સંઘર્ષ, તેમની પીડાને કદાચ આપણે નહીં સમજી શકીએ કારણ કે આપણને તે બધું ખૂબ આસાનીથી મળ્યું છે. આસાનીથી મળેલી વસ્તુની કિંમત કરતા કદાચ આપણે નથી શીખ્યા.