આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને વધારે સમય બાકી ન રહેતા, તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત બની છે. ત્યારે શનિવારના રોજ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો જેને કારણે માહોલ ગરમાયો છે. હુમલામાં અનંત પટેલને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ધારાસભ્ય પર હુમલો થવાને કારણે તેમના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. માહોલ વધારે ઉગ્ર ન બને તે માટે ખેરગામ પોલીસ સ્ટેશન હદમાં અધિક કલેક્ટર દ્વારા 9 દિવસ માટે કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.
શાંતિ ભંગ ન થાય તે માટે લાગુ કરાઈ કલમ 144
અનંત પટેલ પર થયેલા હુમલાને કારણે રાજનીતિ ગરમાઈ છે. હુમલા થતા તેમના સમર્થકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. હુમલાનો વિરોધ કરવા તેમના સમર્થકોએ પરવાનગી વગર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો. જે બાદ અનેક કોંગ્રેસના નેતાઓને ડિટેઈન કરી દેવામાં આવ્યા હતા. શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સરકારી કાર્યક્રમો, લગ્નનો વરઘોડો, દેવસ્થાને જતા લોકો પર, સ્મશાન યાત્રામાં જતા લોકો પર કલમ 144 લાગુ નહીં થાય.