રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર ખાતે મેગા ડિમોલેશન તંત્ર દ્વારા કરવામા આવી રહ્યું છે. દ્વારકા જિલ્લામાં આ કાર્યવાહી થયા બાદ પોરબંદર ખાતે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાંથી ગેરકાયદેસર બાંધકામ હટાવાતા સ્થિતિ વણસી છે. બાંધકામ તોડી પડાતા સ્થાનિકો રોષે ભરયા છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેને કારણે 10 ઓક્ટોબર સુધી કલમ 144 લાગૂ કરવામાં આવી છે.
ભીડ બેકાબુ બનતા પોલીસે છોડ્યા ટીયર-ગેસ
દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કર્યા બાદ પોરબંદર ખાતે આ ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બુલ્ડોઝર ફેરવાતા લઘુમતી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. શહેરના મેમણાવાડા વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરાતા સ્થાનિકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જે બાદ પોલીસે ત્રણથી વધુ ટીયર ગેસ છોડ્યા હતા.
વધુ પોલીસ કાફલો કરાયો તેનાત
મામલો વધુ ગંભીર બન્યો હતો. જેને લઈ બીજા પોલીસ કાફલાને તેનાત કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત એસઆરપીની ટીમને પણ ત્યાં ગોઠવી દેવામાં આવી છે. આ ઘટનાને શાંત કરવા પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો. પરંતુ સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે ડિમોલેશનની કાર્યવાહી કરવા ગયેલી ટીમ પાછી આવી ગઈ. સ્થિતિ વધુ ન વણસે તે માટે જિલ્લા અધિકારીએ 10 ઓક્ટોબર સુધી કલમ 144 લાગૂ કરી દીધી છે. કીર્તિમંદિર, ઉદ્યોગનગર, રાણાવાવ અને કુતિયાના શહેરમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે.