ગુજરાત સરકારે મોટા ઉપાડે અને ગાઈ વગાડીને અમદાવાદ સી-પ્લેન સર્વિસ શરૂ કરી હતી. પર્યટનને વેગ મળે તે માટે આ સી પ્લેન સેવા અમદાવાદ રિવર ફ્રન્ટથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ધરોઇ ડેમ સાથે જોડવાની યોજના શરૂ થઈ હતી. જો કે તે થોડા સમયમાં જ બંધ થઈ ગઈ હતી. આ મુદ્દે આજે વિધાનસભામાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તથા આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો.
સી પ્લેન સેવા પાછળ કેટલો ખર્ચ થયો?
ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે જણાવ્યુ હતું કે, સી પ્લેન પાછળ કુલ 13.15 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. સી પ્લેન સેવા બંધ કરવા પાછળના કારણો વિશે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, ફોરેન રજીસ્ટ્રેશન એરક્રાફ્ટ હોવાથી ઓપરેશન અને મેઇન્ટેનન્સમાં ઉદભવતી મુશ્કેલીઓ તેમજ ઓપરેટરને ઓપરેટીંગ કોસ્ટ ઉંચી જતી હોવાથી નાણાંકીય કારણોસર સી પ્લેન સેવા 10 એપ્રિલ 2021થી બંધ કરવામાં આવી હતી.
સી પ્લેન સેવાથી કેટલી કમાણી થઈ?
આમ આદમી પાર્ટીની ધારાસભ્ય ચેતર વસાવાના સવાલનો જવાબ આપતા જણાવ્યુ હતુ કે, 31-1-23ની સ્થિતિએ રાજ્યમાં સી પ્લેન સેવા બંધ કરવામાં આવી છે. સી પ્લેન પાછળ વર્ષ 2021-22માં રાજ્ય સરકારે 11 કરોડની જાગવાઇ કરી હતી. વર્ષ 2022-23માં સી પ્લેન માટે 11 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આમ બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા 22 કરોડની જોગવાઇ સી પ્લેન માટે કરવામાં આવી હતી. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, રાજ્ય સરકારે 22 કરોડની જોગવાઇ કરી હોવા છતાં સી પ્લેન થકી બે વર્ષમાં રાજ્ય સરકારને એક પણ રુપિયાની આવક થઇ નથી.