સ્કૂલવાન સાથે અકસ્માતની ઘટનાઓ રાજ્યમાં અવારનવાર બનતી રહે છે. ઘણીવાર વાનચાલકની ભૂલના કારણે ભૂલકાઓનો જીવ જોખમમાં મુકાતો હોય છે. સુરતના અલથાણ વિસ્તારમાં ચાઈના ગેટ પાસે સ્કૂલવાન અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. જે સ્કૂલ વાનનો અકસ્માત થયો છે. જેમાં 9 બાળકો સવાર હતા. અકસ્માતના કારણે એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને અન્ય બાળકોને પણ નાનીમોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત CCTVમાં કેદ થયો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે પૂરપાટ આવતી કારે સ્કૂલવાનને ટક્કર માર્યા બાદ વાન 10 ફૂટ ઢસડાયા બાદ તે પલટી મારી ગઈ હતી.
ઘાયલ બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી શારદાયત સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલવાનમાં સવારે શાળાએ પહોંચે એ પહેલા જ અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત સર્જાતાની સાથે જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. તેમજ સ્થાનિક લોકો દ્વારા સ્કૂલ વાનને સીધી કરવાનો પ્રયાસ કરાયો અને વિદ્યાર્થીઓને પણ તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવ્યા. ટક્કર બાદ કાર ચાલક પણ કારમાંથી બહાર નીકળીને બાળકોને બચાવવા દોડતો જોવા મળે છે. ઘાયલ બાળકોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.