સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ઈમેલ કરી દીધું હતું. સવારથી આ વાતને લઈ ચર્ચા થઈ રહી હતી કે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા ત્યારથી લાગી રહ્યું હતું કે વધારે મામલો ઉગ્ર બનશે તેની પહેલા શાંત કરવામાં આવી જશે. ધારાસભ્યને સમજાવવામાં આવ્યા. સી.આર.પાટીલના નિવાસસ્થાન પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ કેતન ઈનામદારે પોતાનું રાજીનામું પાછું ખેચીં લીધું છે. તેમની જે વેદના હતી તે તેમણે હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી. બેઠક બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
મધરાત્રે ધારાસભ્યએ આપી દીધું હતું રાજીનામું
લોકસભા ચૂંટણી પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે ઉપરાંત પક્ષપલટો પણ કરી લીધો છે. ત્યારે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મધરાત્રે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને મેલ કર્યું હતું. સવારે જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમણે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળી આ નિર્ણય લીધો છે. ઉપરાંત તે રાજીનામું પરત નહીં ખેંચે તેવું લાગતું હતું.
આની પહેલા પણ તે આપી ચૂક્યા છે રાજીનામું
આ પહેલી વખત નથી જ્યારે તેમણે રાજીનામું આપ્યું હોય આની પહેલા પણ તેમણે રાજીનામું આપી દીધું છે. 2020માં પણ તેમણે રાજીનામું આપી દીધું હતું. જમાવટની ટીમે જ્યારે કેતન ઈનામદારને રાજીનામા અંગે પૂછ્યું ત્યારે એવું લાગતું હતું કે, તેમની વાતો પરથી એવું લાગતું હતું કે તે રાજીનામું પરત નહીં લે. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવું એ નાની વાત નથી. રાજીનામા પર સી.આર.પાટીલની તેમજ રંજન ભટ્ટની પ્રક્રિયા પણ સામે આવી હતી.
બેઠક બાદ બદલાઈ ગયા બોલ!
સવારે ધારાસભ્ય રાજીનામાને લઈ મક્કમ હતા પરંતુ બપોર સુધીમાં તેમની મક્કમતા ખતમ થઈ ગઈ! સી.આર.પાટીલના ઘરે બેઠકનું આયોજન થયું અને તે બાદ મામલો શાંત થઈ ગયો અને સાવલીના ધારાસભ્યે રાજીનામું પરત લઈ લીધું. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આ અંગેની જાહેરાત કરવામાં આવી. તેમણે કહ્યું કે મારું રાજીનામું મારા અંતર આત્માના અવાજને માન આપીને હતું. પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી મંત્રી સાથે ચર્ચા બાદ મને સંતોષ છે અને રાજીનામું પરત લઉં છું. મને સંતોષ થાય તે રીતે તેમણે મારી વાતનું નિરાકરણ લાવ્યું છે.
અંતરાત્માનો અવાજ સાંભળી ધારાસભ્યએ આપ્યું હતું રાજીનામું
વધુમાં તેમણે કહ્યું કે ગઇકાલે રાત્રે દોઢ વાગ્યે મેં વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ઇમેલ દ્વારા આપ્યું હતું. મેં લખ્યું હતું કે, મારા અંતર આત્માના અવાજને માન આપીને રાજીનામું આપું છું. રાજીનામાની જાણ થતાં આગેવાનો દ્વારા પૂછવામાં આવ્યું કે શું વાત છે? મેં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે બેસીને ચર્ચા કરી. મેં મારી વેદના તેમને કહી. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તમને અને પ્રત્યેક કાર્યકરને સંતોષ થાય તેવું જ સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવશે.