શનિવારનો દિવસ મુંબઈ સહિત મહારાષ્ટ્ર માટે દુર્ઘટનાભર્યો રહ્યો છે. વહેલી સવારના નાશિકમાં બસમાં લાગેલી આગે ૧૨નો ભોગ લીધો હતો. તો બપોરના મુંબઈના ચેંબુરના ટિળક નગર પરિસરમાં ૧૨ માળની બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. ઈમારતમાં ફસાઈ ગયેલા લોકોએ રસ્સી, સાડી જે મળે તેનાથી બચવા માટે ફાંફાં માર્યા હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે બિલ્ડિંગમાંથી ૩૩ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. છ લોકોને શ્ર્વાસમાં ધુમાડો જતા ગૂંગણાળામણની ફરિયાદ કરતા તેમને હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા પડ્યા હતા. લગભગ બે કલાકે બુઝાયેલી આગની દુર્ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
ચેંબુર (પૂર્વ)માં લોકમાન્ય ટિળક ટર્મિનસ પાસે ન્યુ ટિળક નગર પરિસરમાં આવેલી ગ્રાાઉન્ડ પ્લસ ૧૨ માળની રેલ વ્હ્યુ એમઆઈજી સોસાયટીમાં શનિવારે બપોરના ૨.૪૩ વાગે ભીષણ આગ ફાટી નીકળી હતી. બપોરનો સમય હોવાથી અનેક લોકો બપોરના ખાઈ-પીને આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઈમારતના ઓપન ડકમાં રહેલા ઈલેક્ટ્રિક વાયરિંગ, ભંગાર વસ્તુઓ તથા કચરામાં આગ ફાટી નીકળી હતી, જે નીચેથી ઉપર ૧૨ માળા પર રહેલા ટેરેસ સુધી ફેલાઈ ગઈ હતી. આગને કારણે ધુમાડો ઈમારતમાં પૂરા દાદરાના એરિયામાં ફેલાઈ ગયો હતો. તેના રહેવાસી સહિત અનેક રહેવાસીઓ ઈમારતમાં ફસાઈ ગયા હતા.
આગનું પ્રમાણ ભીષણ હતું. પહેલા તેને એક નંબરની જાહેર કરવામાં આવી હતી પછી ત્રણ વાગ્યાની આસપાસ તેને બે નંબરની જાહેર કરવામાં આવી હતી. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડનાં આઠ ફાયર એન્જિન, જંબો ટેન્કર, એક જેટી, સહિત અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઈમારતમાં આગ લાગી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલામ જ અનેક રહેવાસીઓએ પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી સાડી અને રસીની મદદથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓ ફસાઈ ગયા હતા. અનેક લોકો બારીમાંથી બહાર નીકળીને બારીના છજ્જા પર ઊભા રહીને મદદ માટે પોકારો લગાવી રહ્યા હોવાનું જણાયું હતું.
ઈમારતમાં આગ લાગી ત્યારે લગભગ ૪૦થી વધુ રહેવાસીઓ હોવાનો અંદાજ છે, જેમાં મહિલા અને બાળકો વધુ હોવાનું કહેવાય છે. ફાયર બ્રિગેડ બચાવ કામગીરી શરૂ કરી હતી એ દરમિયાન અનેક રહેવાસીઓ બારીમાંથી બહાર નીકળીને છજ્જા અને અમુક લોકો બિલ્ડિંગના ઓપન સ્પેસમાં મદદની રાહ જોતા ઊભા રહી ગયા હતા અને તેમને બચાવે તેની રાહ જોતા ઊભા હતા.
બિલ્ડિંગના રહેવાસીઓના કહેવા મુજબ આગે ભીષણ સ્વરૂપ પકડ્યું હતું અને ઝડપથી ફેલાઈને ઉપર સુધી આવી ગઈ હતી. આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાતા હતા. આગ ઉપરના માળે લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કારણે ભારે ધુમાડો નીકળી રહ્યો હતો. તેને કારણે ૧૨ માળે અને ૧૧ માળે રહેલા ફ્લેટમાં રહેતા લોકોની સામે જાનનું જોખમ ઊભું થયું હતું. આગ ઉપર ફેલાઈ જતા ૧૨ માળાના ઘરમાંથી આગના ધુમાડા નીકળતા જણાયા હતા. ૧૨ માળા પર રહેલા ફ્લેટમાં રહેતી મહિલાને તેની બાજુની ફ્લેટમાં રહેતા લોકોએ બારીમાંથી બચાવી લીધી હોવાનું કહેવાય છે. ત્યાર બાદ ફાયર બ્રિગ્રેડે આવીને બારીના છજ્જામાંથી તેને બહાર કાઢી હતી.
ફાયર બ્રિગેડના અધિકારીના કહેવા મુજબ આગ લાગ્યા બાદ અમુક લોકો બારીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બીજા માળા પર બારીના છજ્જા પર ચાર લોકો ઊભા હતા, તેમને બચાવી લેવામાં આવ્યા હતા. તો ઈમારતના રહેતા ૩૩ લોકાનેે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં અમુક લોકોને બારીના છજ્જામાંથી તો અમુક લોકોને તેમના ઘરમાંથી તો અમુક લોકોને બિલ્િંડગના ઓપન એરિયાામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોેકે કૂલિંગ ઑપરેશન મોડે સુધી ચાલ્યું હતું.
બચાવ કામગીરી દરમિયાન છ લોકોને શ્ર્વાસમાં ધુમાડો જતા ગૂંગળામણની ફરિયાદ થઈ હતી, તેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ૨૬ વર્ષથી લઈને ૫૦ વર્ષના રહેવાસીઓનો સમાવેશ થાય છે. તમામ લોકોની તબિયત સ્થિર છે.
ઈમારતની ફાયર ફાઈટિંગ સિસ્ટમ બંધ
ફાયર બિગ્રેડના ચીફ ફાયર ઑફિસર હેમંત પરબે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ઈમારતના ઓપન ડક એરિયામાં ઘણો કચરો જમા થઈ ગયો હતો. ઘણા દિવસથી તે સાફ કર્યો ન હોવાને કારણે ઢગલો જમા થઈ ગયો હતો. કોઈએ તેમા સિગારેટ પીધા પછી નાખી હોવી જોઈએ. તેને કારણે પહેલા ધુમાડો થયો હશે અને પછી ધુમાડાને કારણે ગરમી નિર્માણ થઈને આગ ફાટી નીકળી હોવી જોઈએ. જે નીચેથી પછી ઉપર સુધી ફેલાઈ હશે. તપાસ દરમિયાન બિલ્ડિંગની ફાયર ફાઈટીંગ સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાયું છે. તેથી ઈમારતને નોટિસ ફટકારવામાં આવી છે.