મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોમી તોફાનોની ફાટી નિકળ્યા છે, રાજ્યના સતારા જિલ્લામાં બે સમુદાય વચ્ચે તંગદીલી સર્જાઈ છે. જિલ્લામાં ઠેર ઠેર પથ્થરમારો અને આગજનીની ઘટનાઓ બનતા પોલીસકર્મીઓ ખડકી દેવામાં આવ્યા છે. સતારા જિલ્લામાં રમખાણોના ડર વચ્ચે પોલીસ પહોંચી અને બળજબરીથી લોકોને રસ્તા પરથી હટાવ્યામાં આવ્યા હતા. મામલાની શંકાસ્પદને ધ્યાનમાં લઈને સરકારે ઈન્ટરનેટ સુવિધા બંધ કરવાનો હુકમ જારી કર્યો છે. એક ધાર્મિક સ્થળ પર પથ્થરમારાથી આ કોમી આગને પલીતો ચાંપવામાં આવ્યો હતો. કાયદો અને સુરક્ષા જળવાઈ રહે તે માટે દરેક સ્થળે સુરક્ષા દળો ખડકી દેવામાં આવે છે.
સોશિયલ મીડિયા પોસ્ટથી કોમી આગ ભડકી
આ સમગ્ર મામલાની શરૂઆત 15 ઓગસ્ટથી સતારામાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ની પોસ્ટ સતત શેર કરવામાં આવી રહી હતી. જેના કારણે ખટાવ તાલુકાના પોસ સાવલીમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. અહીં કેટલાક તોફાનીઓએ મહાપુરુષો વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ કરી છે. જેના કારણે રવિવારે રાત્રે મામલો વણસ્યો હતો અને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. બે સમુદાયો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એક મંદિર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ધાર્મિક સ્થળ પર પથ્થરમારો થતાં મામલો વધી ગયો હતો. આ ઘટના દરમિયાન ઘણી જગ્યાએ બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. તોફાની કરતા લોકોએ અનેક જગ્યાએ પણ આગ ચાંપી હતી. જ્યારે પોલીસને આ અંગેની માહિતી મળી તો તેમણે બંને પક્ષોને અલગ કરવા માટે બળપ્રયોગ કર્યો. હાલ પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સુવિધા સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.
જિલ્લામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી
સતારામાં ફાટી નિકળેલા આ ભયાનક કોમી રમખાણોમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે રમખાણો ફાટી નીકળ્યા ત્યારે પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પોલીસ ફોર્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે બળપ્રયોગ કર્યો અને તોફાની તત્વોને ઘટના સ્થળેથી ભગાડી દીધી છે. જિલ્લામાં હાલ સ્થિતિ હજુ પણ ભારેલા અગ્નિ જેવી છે.
પોલીસે લોકોને કરી શાંતિની અપીલ
સતારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીનું નિરિક્ષણ કરવા માટે પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તોફાનગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા છે. સતારા જિલ્લા વહીવટીતંત્રે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લોકોને શાંતિની અપીલ કરતી એક પોસ્ટ કરી છે. સતારા જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર ડુડી અને પોલીસ અધિક્ષક સમીર શેખે કરેલી અપીલ મુજબ, “સતારા જિલ્લામાં તંગદીલીની પૃષ્ઠભૂમિ પર, જિલ્લા વહીવટીતંત્ર સતારા જિલ્લાના નાગરિકોને કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી રહ્યું છે. લોકોએ સોશિયલ મીડિયા પર એવી કોઈ પણ સામગ્રી પોસ્ટ કરવાનું ટાળવું જોઈએ જે સંભવિત રીતે સાંપ્રદાયિક વિખવાદ પેદા કરી શકે અને કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી શકે છે".