ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં પાણીની આવકના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 38 સે.મીનો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આજે નર્મદા ડેમે 122.84 મીટરની સપાટી વટાવી છે. નર્મદા ડેમમાં પાણી આવક 23495 ક્યુસેક છે, જ્યારે ડેમમાંથી પાણીની જાવક 5,178 ક્યુસેક છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, જ્યારે 121.92 મીટરથી દરવાજા મુકવામાં આવ્યા છે.
વીજ ઉત્પાદન માટે ચાલુ કરાયું
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાના પગલે ઇન્દિરા સાગર અને તવા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, ત્યારે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 23,303 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 122.84 મીટરે પહોંચી છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમના વીજ ઉત્પાદનના CHPHના 1 પાવર હાઉસના યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યા છે.
નર્મદા ડેમ જોવા ઉમટ્યા પ્રવાસીઓ
આજે પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં 1732 મ્યુલયન ક્યુબીક મીટર પાણીનો લાઈવ જથ્થો છે. જોકે આજે ડેમ 122.84 મીટરે પહોંચ્યો છે, જ્યારે નર્મદા ડેમ પર દરવાજા ન લાગ્યા હોત તો આજે નર્મદા ડેમ ઓવરફ્લો જોવા મળ્યો હોત. કારણ કે, ડેમના દરવાજા સુધી ડેમની હાઈટ 122.84 મીટર છે અને હાલ ડેમના દરવાજા સાથે 1 મીટર પાણી ભરાયેલ છે, ત્યારે હાલ આવનારા પ્રવાસીઓ પણ આ નઝારો જોઈ ખુશ થઈ રહ્યા છે.