રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસેલા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. આટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા નદીની જળસપાટી 134.12 મીટરે પહોંચી છે. 138 મીટર નર્મદા ડેમની મહત્તમ સપાટી છે.
નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો
દેશના અનેક રાજ્યોમાં વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ફરી એક વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વરસી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સરદાર સરોવર ડેમ સરોવરની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમની જળસપાટીમાં વધારો થયો છે.
4338.20 mcm હાલ પાણીનો જથ્થો છે
ગુજરાતમાં ફરી શરૂ થયેલા વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં થતા વરસાદને કારણે ડેમો પાણીથી છલકાઈ રહ્યા છે. નર્મદા ડેમની વાત કરીએ તો 24 કલાકમાં 12 સેમીનો વધારો નોંધાયો છે. આ સાથે હાલ નર્મદા ડેમમાં 4338.20 mcm પાણીનો જથ્થો છે. મહત્તમ સપાટી પર પહોંચવા માટે માત્ર 4.56 મીટર જ બાકી છે.
સપ્ટેમ્બર મહિનામાં મેહુલો થયો મહેરબાન
ગુજરાતના બીજા ડેમોની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 340 ફૂટ છે જ્યારે હાલની સપાટી 334.78 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમમાં 15200 થી વધારે ક્યુસેક પાણીની આવક થઈ છે. મહત્વનું છે કે વરસાદ પડવાને કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ વરસ્યો ન હતો જેને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા હતા. જગતનો તાત ચિંતિત બન્યો હતો. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં મેહુલો મહેરબાન થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.