ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી આજે 126 મીટરથી ઉપર પહોંચી ગઈ છે. ગઈકાલે સાંજે 5 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 126.09 મીટર નોંધાઈ હતી. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પાણીની આવક 41,590 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં 17 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમના ઉપરવાસ માં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી તેમજ નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતાં ડેમ ખાતે પાણી ની આવક થતા આજ રોજ બપોરે ત્રણ કલાકે નર્મદા ડેમની જળ સપાટી 126 મીટરને પાર પહોંચી હતી. ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. ત્યારે વર્તમાન ચોમાસાની સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 126 મીટરને પાર થઈ છે.
ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી
નર્મદા ડેમ આજે રાત્રે 126 મીટર ની સપાટી ઉપર પહોંચવાની શક્યતાઓ વર્તાઈ રહી હતી. નર્મદા ડેમની જળ સપાટી ગઈ કાલે સવારે 6:00 કલાકે 125.65 મીટર ઉપર નોંધાઈ હતી આ સપાટીમાં પ્રતિ કલાકે વધારો નોંધાયો હતો, બપોરના એક કલાકે જળ સપાટી 125.86 મીટર ઉપર પહોંચી હતી તે સમયે નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી 76,669 કયુસેક પાણીની આવક નોંધાઈ રહી હતી. જ્યારે કે બપોરે બે કલાકે નર્મદા ડેમની જળ સપાટી 125.89 મીટર ઉપર નોંધાઈ હતી છેલ્લે ત્રણ વાગ્યા સુધીના આંકડા પ્રાપ્ત થતા નર્મદા ડેમની જળ સપાટી 125.90 મીટર ઉપર નોંધાયાના હતા.
ડેમ ઓવરફલો થવાની શક્યતા
સરદાર સરોવર નર્મદા ડેમની કુલ સપાટી 138.68 મીટર છે. અને ત્યાં સુધી ડેમ ભરાય તે માટે હજી વધુ ભારે વરસાદની જરૂર છે. ડેમ છલકવા માટે હવે લગભગ 10 મીટર પાણી ઓછું છે ત્યારે હજુ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે ડેમ ચાલુ વર્ષમાં પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના દિવસે નર્મદા ડેમ ઓવરફલો થયો હતો ત્યારે આ વર્ષે પણ નર્મદા ડેમ ઓવરફ્લો થઈ શકે છે. નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 41,590 ક્યુસેક છે.