ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન મેઘમહેર થઈ છે. રાજ્યના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ થતાં મોટા ભાગના ડેમો ઓવરફ્લો થયા છે તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 138.40 મીટર પર પહોંચી જતાં ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેના પગલે કાંઠાવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ડેમમાંથી 2 લાખ કયુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી હાલ 138.40 મીટર પર પહોંચી ગઈ છે. જળ સપાટી સતત વધતા નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલાં 2 લાખ કયુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ પાસે નર્મદાની સપાટી 19.68 ફુટ સુધી પહોંચી હતી. ડેમમાંથી છોડવામાં આવતો પાણીનો જથ્થો ઘટાડવામાં આવતાં જળની સપાટી 19.68 ફુટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી હોવાથી ડેમમાંથી છોડવામાં આવતું પાણી વધારવામાં આવે તેવી સંભાવના છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 2.46 લાખ કયુસેક પાણી આવી રહયું છે જેની સામે પાણીની જાવક 1.20 લાખ કયુસેક છે. નર્મદા ડેમ તેની 138.68 મીટરની પુર્ણ સપાટીને પાર કરી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજયમાં ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો અને હળવો વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે.