છેલ્લા ઘણા સમયથી સાળંગપુર મંદિરમાં આવેલી વિશાળ હનુમાનજીની પ્રતિમાની નીચે લાગેલા ભીંતચિત્રોને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. આ એ ભીંતચિત્રો હતા જેમાં હનુમાનજીને દાસ બતાવાયા હતા. આ મામલે અનેક સંતો મહંતો, ભક્તો તેમજ લોકસાહિત્યકારોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.અનેક ભક્તોની લાગણી દુભાઈ હતી. વિવાદ શાંત થવાને બદલે પ્રતિદિન ઉગ્ર બનતો હતો ત્યારે ગઈકાલે વિવાદને શાંત પાડવા સરકારે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. બંધબારણે સરકાર અને સંતોની બેઠક થઈ હતી. તે ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને VHPના આગેવાનો વચ્ચે પણ મહત્વની બેઠક થઈ હતી.
આ બેઠક બાદ ભીંતચિત્રો હટાવી લેવાશે તેવી કરાઈ હતી જાહેરાત
અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને વીએચપીના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં સનાતન ધર્મના સંતો પણ હાજર હતા. બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી. એવી જાહેરાત કરવામાં આવી કે આવતી કાલ સવાર સુધીમાં એટલે કે 5 સપ્ટેમ્બર સવાર સુધીમાં વિવાદીત ભીંતચિત્રો હટાવી દેવામાં આવશે. અને સવાર પડે તે પહેલા જ ભીંતચિત્રો હટાવી લેવાયા છે. વિવાદીત ભીંતચિત્રોને હટાવવાની કામગીરી રાત્રે બાર વાગ્યા પછી શરૂ કરી દેવામાં આવી હતી અને સૂર્યોદય થાય તે પહેલા ભીંતચિત્રો હટાવી લેવાયા છે. ભીંતચિત્રો હટી જતા હવે સમગ્ર વિવાદ શાંત પડ્યો છે.
પોલીસ કાફલો કરાયો હતો તૈનાત
મહત્વનું છે કે ભીંતચિત્રોનો વિવાદ સામે આવ્યા બાદ અનેક ભક્તોની લાગણી દુભાઈ હતી. હર્ષદ ગઢવી નામના વ્યક્તિએ વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર ફેરવી દીધો હતો અને ભીંતચિત્રોને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. તે બાદ પોલીસ બંદોબસ્ત મંદિર પરિસરમાં ગોઠવી દેવાયો હતો. ગઈકાલે પ્રતિમાની આજુબાજુ પણ સુરક્ષા વધારાઈ હતી. ત્યારે હવે આ વિવાદનો સુખદ અંત થઈ ગયો છે. વિવાદીત ભીંતચિત્રોને હટાવાઈ દેવાયા છે.