કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, RJDના મનોજ ઝા, CPI(M)ના જોન બ્રિટાસ સહિત 13 સાંસદોને સંસદ રત્ન સન્માન 2023 માટે નામાંકિત કરવામાં આવ્યા છે. એવોર્ડની સ્થાપના કરનાર સંસ્થા, પ્રાઇમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, સંસ્થા દ્વારા 13 સાંસદોને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે, જેમાં 8 લોકસભા અને 5 રાજ્યસભાના સાંસદનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ પૂર્વ સાંસદોનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલની અધ્યક્ષતામાં અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ કૃષ્ણમૂર્તિની સહ-અધ્યક્ષતાવાળી સમિતિએ વિશેષ પુરસ્કારોની શ્રેણીમાં બે વિભાગીય સ્થાયી સમિતિના સભ્યો અને એક પ્રતિષ્ઠિત નેતાને પણ નોમિનેટ કર્યા છે.
આ છે 13 નામાંકિત સાંસદો
આ સમિતિમાં પ્રતિષ્ઠિત સંસદ સભ્યો અને નાગરિક સમાજના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સન્માન માટે નોમિનોટ કરવામાં આવેલા સાંસદોમાં વિદ્યુત બરન મહતો (ભાજપ, ઝારખંડ), ડૉ. સુકાંત મજુમદાર (ભાજપ, પશ્ચિમ બંગાળ), કુલદીપ રાય શર્મા (કોંગ્રેસ, આંદમાન અને નિકોબાર), ડૉ. હીના વિજય કુમાર ગાવિત, ગોપાલ શેટ્ટી (ભાજપ, મહારાષ્ટ્ર), સુધીર ગુપ્તા (ભાજપ, મધ્યપ્રદેશ), ડો. અમોલ રામસિંહ કોલ્હે (એનસીપી, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.
આ કેટેગરીમાં થઈ પસંદગી
આ સાંસદોને 17મી લોકસભામાં પ્રશ્નો, ખાનગી બિલ, ચર્ચામાં ભાગીદારી વગેરે સહિત વિવિધ શ્રેણીઓ હેઠળ તેમના પ્રદર્શનના આધારે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભામાંથી વર્તમાન સભ્યોમાં જોન બ્રિટાસ, મનોજ ઝા અને ફૌઝિયા ખાનને નોમિનેટ કરવામાં આવ્યા છે. આ સિવાય વિશંભર નિષાદ અને છાયા વર્માને નિવૃત્ત સાંસદોની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યા છે. નાણાકિય સમિતિ (ભાજપના જયંત સિન્હાની અધ્યક્ષતામાં) અને પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સમિતિ (YSR કોંગ્રેસના વી વિજયસાઈ રેડ્ડીની અધ્યક્ષવાળી) સંસદીય સમિતિમાં નોમિનેટ કરવામાં આવ્યા છે.