સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર વિવાદના કારણે સમગ્ર રાજ્યમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. હનુમાનજી મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના બેઝમાં કંડારવામાં આવેલા શિલ્પ ચિત્રોમાં હનુમાનજી નીલકંઠવર્ણીને પ્રણામ કરતી મુદ્રામાં દર્શાવતા વિવાદ વકર્યો છે. જેનો વિરોધ અનેક સાધુ સંતો, લોક કલાકારો સહિત અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં ભીંતચિત્રોના વિવાદમાં શનિવારે એક સનાતની ભક્તે ફરસીના ઘા મારી અને કાળો કલર લગાવ્યો હતો. આ બનાવને પગલે ખળભળાટ મચી ગયો હતો.
શિલ્પ ચિત્રોને નુકસાન કરનારાની ધરપકડ
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ગઈકાલે બેરિકેડ્સ તોડીને શિલ્પ ચિત્રોને નુકસાન પહોંચાડવા આવેલા રાણપુરના ચારણકી ગામના હર્ષદ ગઢવીને પોલીસે પકડી પાડ્યો હતો. શિલ્પ ચિત્રો ઉપર હર્ષદ ગઢવીએ કાળો કલર કરી અને તોડફોડ કરવામાં આવતા પોલીસ દ્વારા ધરપકડ કરી તેની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાને લઈ સેથળી ગામના ભૂપત સાદુળભાઈ ખાચર દ્વારા ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હર્ષદ ગઢવી, જેસિંગ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરૂદ્ધ મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ કલમ ઇ.પી.કો.295( એ) 153(એ) 427, 506(2) 120(બી)GP ACT ક.135 મુજબ ગુનો નોંધી ત્રણેય શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરી હાથ ધરી છે.
આ ઘટના અંગે બોટાદના SP કિશોર બળોલિયાએ જણાવ્યું હતું કે, હુમલાનો પ્રયાસ કરનારની હર્ષદ ગઢવી તરીકે ઓળખ થઇ છે. મંદિરમાં પોલીસ બંદોબસ્ત રાખેલો જ છે. પરંતુ જે રીતે મંદિરનું વિશાળ પરિસર છે અને બાજુમાં જ પાર્કિંગ અને ગાર્ડન પણ છે. હર્ષદ ગઢવી ગાર્ડનમાંથી છૂપાઇને હનુમાનજીની પ્રતિમા સુધી પહોંચી ગયો હતો. પોલીસે હર્ષદને મૂર્તિ પાસેથી ઝડપી લીધો હતો. હર્ષદ ગઢવી સાથે બીજુ કોણ કોણ આવ્યું હતું અને ક્યા વાહનમાં આવ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
સાળંગપુર મંદિરની સુરક્ષા વધારાઈ
સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં SRPની ટુકડી, 3 Dy.SP, 2 PI, 8 PSI, 174 પોલીસ અને 67 GRD જવાનો બે શિફ્ટમાં ગોઠવ્યા છે.
મંદિરના તમામ મુખ્ય દરવાજા બંધ
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રો વિવાદ મામલે મંદિરના તમામ મુખ્ય ગેટ બંધ કરવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી જ મંદિરના દરવાજા બંધ કરાતા હરિભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. દુર દુરથી આવેલા ભક્તોએ રોષ સાથે કહ્યું કે, વિવાદ જે હોય તે પરંતુ અમે દાદાના દર્શન કરવા આવ્યા છીએ. માત્ર એક નાના ગેટમાંથી ભક્તોને મંદિરમાં દર્શન માટે જવું પડે છે. મંદિરમાં પ્રાકિંગ વ્યવસ્થા પણ બંધ કરવામાં આવી છે. આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં દર્શન માટે ભક્તો આવ્યા હતા, પરંતુ કોઈપણ જાતની જાણ કર્યા વગર ગેટો બંધ કરી દેતા હાલ તો ભક્તો હેરાન પરેશાન થઈ રહ્યા છે.