રાજ્યના પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે તેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. આ શિલ્પચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાન સ્વામીનારાયણના ચરણમાં બેઠા છે તો અન્ય એક શિલ્પચિત્રમાં હનુમાનને સ્વામીનારાયણને ફળાહાર આપતા બતાવવામાં આવ્યા છે. હનુમાનના આ પ્રકારનાં શિલ્પચિત્રોના કારણે હિંદુ ધર્મના સાધુ-સંતોએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. હવે આ મામલે જાણીતા લોક સાહિત્ય કલાકારોએ પણ ઝંપલાવ્યું છે. લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને દેવરાજ ગઢવીએ પણ વીડિયોના માધ્યમથી તેમનો વિરોધ વ્યક્ત કર્યો છે.
શું કહ્યું રાજભા ગઢવીએ?
લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું પણ કાર્યક્રમમાં ઘણું બધું કહેતો આવું છું. કેટલાક લોકોએ આપણા સનાતન ધર્મ પર ધૂળ ઉડાડવાની કોશિશ કરી છે. આખી દુનિયામાં ઘણા બધા મહાન સંતો થઈ ગયા તેમને પણ વંદન છે. કહેવાનો અર્થએ છે કે હવે આપણે જાગવું પડશે. ભીંતચિત્રોને હટાવવા પડશે માત્ર ભીંત ચિત્રો હટાવવાથી કંઈ થવાનું નથી. હનુમાનજી શિવનું જ એક રૂપ છે. ધર્મ માટે આપણે ક્યાંય નહી કરીએ. આપણને કોઈ નહી બચાવી શકે. આપણા છોકરા મોજ કરે, વેબ સીરીઝો જોવે, ડ્રગ્સ લે, અને બીજા બધા ધર્મને મજબૂત બનાવતા જાય છે.
હનુમાનજી રામ ભગવાન સિવાય કોઈનાં દાસ નહીં- દેવરાજ ગઢવી
સાળંગપુર વિવાદને લઈ લોકસાહિત્યકાર દેવરાજ ગઢવીએ પણ નિવેદન આપ્યું છે કે, "સ્વામીનારાયણ સંપ્રદાયનાં અનેક વિવાદો સામે આવ્યા છે. આ લોકોને આવા વિવાદ કરવામાં શું આનંદ આવે છે? હનુમાનજી રામ ભગવાન સિવાય કોઈનાં દાસ ન હોઈ શકે. લોકોનાં દુઃખ હરનારને તમે દાસ બતાવો તે યોગ્ય નથી. સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા તમામને મારી અપીલ છે કે, તમામ લોકોએ સૌથી પહેલા આપણે હિન્દુ થાવું પડશે. અહીંયાથી પાછું વળવું પડશે નહીતર બજારમાં પણ નહી નીકળી શકો"