સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં હનુમાનજીના શિલ્પચિત્રો મામલે રાજ્યના તમામ મોટા સાધુ સંતો અને મહંતોએ આકરૂ વલણ દાખવ્યું છે. આ દરમિયાન અખિલ ભારતીય સંત સમિતિની લખનઉમાં મળેલી કાર્યકારણીની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ નૌતમ સ્વામીની ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદથી હકાલપટ્ટી કરવામાં આવી છે. હનુમાનજીના અપમાન બદલ નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરવામાં આવી છે.
અખિલ ભારતીય સંત સમિતિએ લીધો નિર્ણય
ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આજે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે યોજાયેલી બેઠકમાં સાધુ-સંતોએ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવવાની માંગ કરી હતી. ત્યારે આ મામલે સંતોના ઠરાવ બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના લખનઉમાં યોજાયેલી અખિલ ભારતીય સંત સમિતિની બેઠકમાં ગુજરાતમાં સાધુ-સંતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિવાદના પગલે નૌતમ સ્વામીએ આપ્યું હતું નિવેદન
સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો મામલે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના સંત નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ સંસ્થા દ્વારા સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠિત કરવામા આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનનો આ સંપ્રદાય ગુજરાતની શોભારૂપ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ક્યારેય કોઈ પણ દેવી-દેવતાઓનું અપમાન કોઈ સંતો કરતા હોય, તો જરાય પણ ગ્રાહ્ય નથી. આ સાથે જ સ્વામિનારાયણ ભગવાન છે અને ભગવાનની વાતને જો કોઈ ટાળવાનો પ્રયત્ન કરતું હોય, તો તે વ્યાજબી નથી. તે જરાપણ અંશે માફ કરવા યોગ્ય નથી. આપણા સૌ સત્સંગીઓએ આ બાબતે નીડર રહેવું. હું સૌ સંતોને વિનંતી કરું છું કે, સ્વામિનારાયણ ભગવાન છે અને તેમના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેક વાર સેવામાં હાજર રહીને સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત તેનાથી નાના-મોટા પ્રશ્નો હોય, તો યોગ્ય ફોરમ પર જઈને તેની ચર્ચા કરઈ શકે છે. કેટલાક લોકો આ સંદર્ભે કોર્ટમાં ગયા છે, તો તેઓને કોર્ટમાં યોગ્ય જવાબ આપવો પડશે. નાના-મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિએ જરૂર નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, જે હનુમાનજી મહારાજની મૂર્તિ છે એનાથી જ આપણને ગૌરવ છે. સ્વામિનારાયણ ભગવાનનું એવું કોઈ મંદિર નથી, જ્યાં હનુમાનજી અને વિધ્ન વિનાયક દેવ ના હોય. સ્વામિનારાયણ ભગવાનના એક યોગી દ્વારા સ્થાપવામાં આવેલા આ ભગવાન છે. આ સામાન્ય હનુમાનજી મહારાજ નથી, આ કષ્ટભંજન દેવ ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા હનુમાનજી છે.