રેસલર સાક્ષી મલિકે કુસ્તીબાજોના આંદોલનથી ખુદને અલગ કરી લીધી છે. આટલું જ નહીં તે રેલ્વેમાં પોતાની નોકરી પર પરત ફરી છે. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો માંડ્યો હતો. આ કુસ્તીબાજો 23 એપ્રિલથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રેસલર્સે બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા જાન્યુઆરીમાં પણ કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ સામે ધરણા કર્યા હતા.
પહેલવાનોએ અમિત શાહ સાથે કરી હતી મુલાકાત
આ પહેલા શનિવારે જ કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. કુસ્તીબાજ સાક્ષી મલિકના પતિ સત્યવ્રત કડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં આ મીટિંગની પુષ્ટિ કરી હતી. આ બેઠકમાં તેઓ પણ હાજર રહ્યા હતા. જો કે, તેમણે કહ્યું હતું કે બેઠકમાં કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણની ધરપકડ કરવાની માંગ ઉઠાવી હતી. પરંતુ આ બેઠક અનિર્ણિત રહી હતી. તેમણે કહ્યું કે અમને ગૃહમંત્રી પાસેથી જે પ્રતિસાદ જોઈ તો હતો તે ન મળ્યો, તેથી અમે બેઠકમાંથી બહાર આવ્યા હતા. સત્યવ્રતે કહ્યું કે અમે વિરોધ માટે આગળની રણનીતિ બનાવી રહ્યા છીએ. અમે પાછળ હટીશું નહીં, અમે આગળની કાર્યવાહીનું આયોજન કરી રહ્યા છીએ.
સાક્ષી મલિકે કર્યો ઈનકાર
જો કે સાક્ષી મલિકે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે 'ન્યાયની લડાઈમાં, અમારામાંથી કોઈએ પણ પીછેહઠ કરી નથી, અને પીછેહઠ કરીશું પણ નહીં. સત્યાગ્રહની સાથે સાથે હું રેલવેમાં મારી જવાબદારી નિભાવી રહ્યો છું. ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. મહેરબાની કરીને કોઈ ખોટા સમાચાર ન ફેલાવો.