રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતા વિવાદ અંગે આપણને સૌને ખબર છે. વસુંધરા રાજેના સમય કાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવામાં આવે સચિન પાયલોટની માગ છે. બંને વચ્ચે ચાલતા વિવાદનો અંત લાવવા હાઈકમાન્ડ દ્વારા બંને નેતાઓ સાથે બેઠક કરી હતી અને બંને નેતાઓ એક થઈ વિધાનસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કોંગ્રેસના નેતાએ કરી હતી. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ટૂંક સમયમાં સચિન પાયલોટ ભવિષ્યમાં શું કરશે તેની જાણકારી આપી શકે છે.
સચિન પાયલોટ પોતાની માગ પર અડગ!
કોંગ્રેસમાં ચાલતા આંતરિક દખાઓની ચર્ચા અનેક વખત કરવામાં આવે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે બંને નેતાઓ વચ્ચે સમાધાન કરાવવા દિલ્હીમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મલ્લિકાર્જુન ખડગે તેમજ રાહુલ ગાંધી ઉપસ્થિત હતા.બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવી કે બંને નેતાઓ એક થઈ વિધાનસભાની ચૂંટણી લડશે. મહત્વનું છે કે કથિત ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવામાં આવે તેવી માગ સચિન પાયલોટ દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર વિરૂદ્ધ ધરણા પણ કર્યા હતા તે સિવાય યાત્રા પણ કરી હતી. પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
11 તારીખે સચિન પાયલોટ કરશે કોઈ જાહેરાત?
ત્યારે એવી અટકળોએ જોર પકડ્યું છે કે સચિન પાયલોટ નવી પાર્ટીની રચના કરી શકે છે અને એની જાહેરાત 11 જૂનના રોજ કરી શકે છે. 11જૂનના રોજ રાજેશ પાયલોટની પુણ્યતિથિ છે અને તે દિવસે સચિન પાયલોટ ભવિષ્યમાં શું કરશે તે અંગે જાહેરાત કરી શકે છે. હાઈકમાન્ડના નિર્ણયની રાહ સચિન પાયલોટ જોઈ રહ્યા છે. રાજસ્થાનના રાજકારણમાં નવા જૂનીના એંધાણ હાલ દેખાઈ રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે 11 જૂનના રોજ સચિન પાયલોટ કોઈ જાહેરાત કરે છે કે નહીં?