અનેક વખત કોંગ્રેસ માટે કહેવામાં આવે છે કે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે., પરંતુ હવે આ વાત ભાજપ માટે પણ લાગૂ પડી રહી છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખૂલ્લીને સામે આવી રહ્યા છે. ભાજપમાં રહેલા કાર્યકર્તાઓમાં અંદર રહેલો રોષ સામે આવી રહ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠક માટે પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને ટિકીટ આપી પરંતુ તે બાદ ઉમેદવારને બદલી દેવામાં આવ્યા. તેમની જગ્યાએ શોભના બારૈયાને ઉમેદવાર બનાવ્યા છે. આ બધા વચ્ચે સાબરકાંઠામાં મોટી સંખ્યામાં ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતાર્યા છે. ભીખાજી ઠાકોરના સમર્થકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.
આ બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની પાડી ના...
ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. નામ જાહેર કર્યા બાદ ઉમેદવારોમાં ઉત્સાહ હતો અને અનેક ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. આ બધા વચ્ચે અચાનક વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ તેમજ સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા જાહેરાત કરવામાં આવી કે તેઓ ચૂંટણી નથી લડવાના. જેને કારણે તેમના સમર્થકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
ભાજપે શોભના બારૈયાને આપી છે ટિકીટ
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી આ બંને બેઠકો માટે પણ. સાબરકાંઠા બેઠક માટે શોભના બારૈયાને ટિકીટ આપવામાં આવી. ઉમેદવારના નામની જાહેરાત થઈ તે બાદ કાર્યકર્તાઓમાં ચાલી રહેલી નારજગી જોવા મળી. અને હવે ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કદાચ આવા દ્રશ્યો જોવા પડશે તેનો વિચાર પણ નહીં કર્યો હોય... ભાજપ માટે એવું કહીએ કે હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય....