હમણા હમણાથી કલેક્ટરના વિવાદો બહુ વધી ગયા છે એવું લાગી રહ્યું છે. પહેલા એસ કે લાંગા, પછી આણંદના કલેક્ટર ડીએસ ગઢવી અને હવે વિવાદમાં આવ્યા છે સાબરકાંઠાના કલેક્ટર નૈમેષ દવે. તેમની સામે ખેડૂતોને હેરાન કરવા અને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો છે. સાબરકાંઠાના કલેક્ટર નૈમેષ દવે સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરવામાં આવી છે કે તેમણે ભૂમાફિયાઓ સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કર્યો છે. બંનેની મિલીભગતના કારણે અનેક ખેડૂતોની જમીન જતી રહી છે.
કેવી રીતે કૌભાંડની ખબર પડી?
ગુજરાત હાઈકોર્ટના વકીલ પ્રિતેશ શાહે પૂરાવા સાથે ફરિયાદ કરી છે. થયું એવું હતું કે તેણે સાબરકાંઠાના પુંજીમાં 15 વિઘા જમીન ખરીદી હતી. જમીન લેવાના તેમણે રૂપિયા પણ આપી દીધા હતી પણ તેમણે જમીન ખરીદી હોય એવી કાચી નોંધ પાકી નહોતી થઈ. પરિસ્થિતિ એવી આવી ગઈ હતી કે તે જમીનના ખાતેદાર ન થઈ શકે. વકીલે કાયદેસર કામગીરી કરી હોવા છતાં પાકી કામગીરી ન થતાં તેમને શક ગયો અને પછી ખબર પડી કે અહીં તો કલેક્ટર અને ભૂ માફિયાઓનું સેટિંગ ચાલે છે.
કલેક્ટર અને ભૂમાફિયાઓનું ચાલતું હતું સેટિંગ
આથી કલેક્ટર અને ભૂમાફિયાઓ સામે ભૂમિ અધિગ્રહણ કાયદા અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલો ન્યાયાલયમાં પહોંચ્યો હતો ત્યારે સર્વે નંબરની જગ્યાઓમાં પણ લોચા જોવા મળ્યા હતા. જમીન કૌભાંડ સામે વકીલ પ્રિતેશ શાહ ન્યાયાલયમાં ગયા હતા અને ન્યાયાલય તરફથી હુકુમ કરવામાં આવ્યો હતો કે જમીનની નોંધ થવી જોઈએ. વકીલે કલેક્ટર નૈમેષ દવેને નોંધ કરવા માટે કહ્યું કે હવે તો ન્યાયાલયે આદેશ આપ્યો છે તમારે નોંધ કરવી પડશે ત્યારે પણ કલેક્ટરે અવેજ ચૂકવી આપ્યા બાદ પણ નોંધ કરવાની ના પાડી દીધી હતી. હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સામે આવ્યું છે કે કલેક્ટર સાથે ચીટનીશ હર્ષ પટેલની પણ સાંઠગાંઠ હતી. જેમ જેમ આ મામલે વધુ તપાસ થશે તેમ તેમ સરકારી બાબુઓના કાળા કાંડ ખુલશે તેવી શક્યતા છે. આ મામલે આગળ શું થશે એ તો ખબર નથી પણ કલેક્ટરનું કૌભાંડ ખુલતા બીજા જિલ્લાના કલેક્ટર પણ સાવચેત થઈ ગયા છે.
જે કંઈ પણ આગળ અધ્યતન માહિતી સામે આવશે એ અમે તમને જણાવતા રહીશું. તમામ અપડેટ માટે તમે જમાવટ સાથે જોડાયેલા રહો. એન્ડ્રોઈડ અને એપલમાં પણ અમારી એપ્લિકેશન છે જેમાં તમે ગુજરાત દેશ અને દુનિયાના સમાચાર મેળવી શકો છો અને વીડિયો પણ જોઈ શકો છે.