યુક્રેન પર રશિયાના હુમલાને 6 મહિના પુરા થઈ ચુક્યા છે, 24 ઓગસ્ટે જ યુક્રેન પોતાનો આઝાદી દિન મનાવે છે, પણ યુધ્ધના કારણે યુક્રેનની સરકારે કોઈ મોટી ઉજવણીનું આયોજન કર્યું ન હતું. જો કે સાંજના સમયે આશંકા સાચી સાબિત થઈ ગઈ, રશિયાની સેનાએ પુર્વી યુક્રેનના એક રેલ્વે સ્ટેશન પર રોકેટ હુમલો કરતા 22 લોકોના મોત થયા અને 50થી વધુ લોકો ઘાયલ થયા.
યુક્રેનના 31માં સ્વતંત્રતા દિવસ પર રશિયાએ ચાલુ ટ્રેન પર જ રોકેટથી હુમલો કર્યો હતો. યુક્રેનમાં રશિયાના કબજાવાળા ડોનેત્સ્કથી 145 કિમી દૂર ચેપલના એક નાના શહેરમાં આ હુમલો કરાયો હતો. હુમલા બાદ 4 ડબ્બામાં આગ લાગી ગઈ, જેમાં 22 લોકોનાં મોત થયાં છે અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે.
યુધ્ધથી પાયમાલ યુક્રેન
છ મહિનાથી ચાલી રહેલા યુધ્ધમાં યુક્રેનના નવ હજારથી પણ વધુ સૈનિકો જ્યારે રશિયાના 15 હજાર સૈનિકોના મોત થયા છે, યુક્રેનના અનેક શહેરો ખંડેર થઈ ચુક્યા છે, બીજી તરફ મોટી સંખ્યામાં રશિયાની સેનાના વાહનો અને હથિયાર નષ્ટ થઈ ચુક્યા છે.