મોસ્કોની એક અદાલતે સોમવારે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુટીનના ઘોર વિરોધી 41 વર્ષીય વ્લાદિમીર કારા-મુર્ઝા, જુનિયરને રાજદ્રોહના ગુના હેઠળ 25 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે તેમને યુક્રેનમાં લડી રહેલા રશિયન સૈન્યની ટીકા કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. વ્લાદિમીર કારા-મુર્ઝા, જુનિયર સામે થયેલી આ કાર્યવાહીની અમેરિકા સહિતના દેશોએ પણ ટીકા કરી છે.
કારા-મુર્ઝા પર આરોપ શું છે?
કારા-મુર્ઝાએ 15 માર્ચે એરિઝોના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે યુક્રેનમાં રશિયાની લશ્કરી કાર્યવાહીની નિંદા કરી હતી.રશિયાની તપાસ એજન્સીઓએ જ્યારે તે કસ્ટડીમાં હતો ત્યારે જ તેમની વિરૂધ્ધ રાજદ્રોહના આરોપો નોંધ્યા હતા.
કારા-મુર્ઝાએ આરોપોને નકાર્યા
વ્લાદિમીર કારા-મુર્ઝા છેલ્લા કેટલાક વર્ષોથી રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુટીન પર સતત આરોપ લગાવતા રહ્યા છે. તેમની ગણના પુટીનના આકરા ટિકાકારોમાં થાય છે.આજ કારણે એક વર્ષ પહેલા તેમની ધરપકડ થઈ હતી અને ત્યારથી તે જેલના સળિયા પાછળ છે. તેમણે તેમની સામેના આરોપોને રાજકીય ગણાવીને નકારી કાઢ્યા છે અને તેમની સામેની કાનુની કાર્યવાહીને સોવિયેત સરમુખત્યાર જોસેફ સ્ટાલિનના શાસન દરમિયાન થતાં શો ટ્રાયલ સાથે સરખાવી છે.
કોણ છે કારા-મુર્ઝા?
41 વર્ષીય વ્લાદિમીર કારા-મુર્ઝા, જુનિયર, એક પૂર્વ રશિયન-બ્રિટિશ પત્રકાર અને અગ્રણી વિપક્ષી રાજકારણી છે. કારા-મુર્ઝા વિપક્ષી નેતા બોરિસ નેમત્સોવની નજીકના પત્રકાર છે, જેમની 2015માં ક્રેમલિન નજીક હત્યા કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમને 2015 અને 2017માં એમ બે વખત રહસ્યમય ઝેર આપવામાં આવ્યું હતું, જો કે તે બચી ગયા હતા. આ કૃત્ય માટે તેમણે રશિયન ગુપ્ત સેવાને દોષી ઠેરવી હતી. તેમની આ પ્રકારના ષડયંત્રો થઈ રહ્યા હોવા છતાં પણ તેમણે રશિયામાં રહેવાનું ચાલુ રાખ્યું હતું. રશિયન સત્તાવાળાઓએ તાજેતરમાં યુક્રેનમાં રશિયન સૈન્ય કાર્યવાહીની ટીકા કરનારા ટીકાકારો પર કડક કાર્યવાહી શરૂ કરી છે.