ગ્રામ્ય કક્ષાના પત્રકારોને સન્માન મળે અને ગ્રામ્ય કક્ષાના મુદ્દાઓ પત્રકારિતામાં ઉઠે તે ઉદ્દેશ્યથી ગ્રામ ગર્જના ફાઉન્ડેશન દર વર્ષે પત્રકારોને એવોર્ડ આપી સન્માનીત કરે છે. આજે અમદાવાદમાં ગ્રામ ગર્જના ફાઉન્ડેશન પ્રેરીત ગ્રામ ગર્જના ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ એનાયત કરાયો હતો. આ કાર્યક્રમમાં ભારત સરકારના રાજ્યકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉત્તર ગુજરાતના ગ્રામલક્ષી પત્રકાર હર્ષદ જી પટેલને એવોર્ડ એનાયત કર્યો હતો.
દેવુસિંહ ચૌહાણે જુની યાદો વાગોળી
અમદાવાદના ઈન્કમટેક્સ વિસ્તારમાં નવજીવન ટ્રસ્ટ સંકુલમાં આવેલા જીતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલમાં આજે ગ્રામ ગર્જના ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ એનાયત કરાયો હતો. ભારત સરકારના રાજ્યકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે પણ વક્તવ્યોમાં પોતાની યાદો વાગોળી હતી. પત્રકારિતાને મજબૂત બનાવવા માટેના પ્રયાસો વિશે તેમણે વાતો કરી હતી.
મણિલાલ પટેલે રમુજી પ્રસંગો કહીં લોકોને હસાવ્યા
આ કાર્યક્રમમાં અગ્રણી પત્રકાર અને ગ્રામ ગર્જનાના તંત્રી મણિલાલ એમ પટેલે પણ ગામડામાં ધબકતા જીવનને વાચા આપવા પર પોતાના વિચારો રાખ્યા હતા. મણીલાલ પટેલે પોતાની પત્રકારિતાની વાતો વાગોળી લોકોને ભરપેટ હસાવ્યા પણ હતા. તેમણે પોતાના ત્રણ દાયકાની પત્રકારિતાથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસને જીવંત રાખવા પ્રયાસો કર્યા છે. ગામડાની સમસ્યાઓને ઉજાગર કરવાની પત્રકારિતાના પ્રયાસ બદલ ગ્રામ ગર્જના ફાઉન્ડેશને ગ્રામલક્ષી પત્રકાર હર્ષદભાઈ પટેલને એવોર્ડ આપ્યો હતો. ગ્રામ ગર્જનાના કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્ય સચીવ પીકે લહેરી પણ હાજર રહ્યા હતા.