ડોલર સામે તુટતા રૂપિયાથી દેશના અર્થતંત્રને શું ફટકો પડશે અને મોંઘવારી કેટલી વકરશે? જાણો


  • Published By :
  • Published Date : 2022-10-27 19:35:17


જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ડોલર સામે રૂપિયાના તુટવાનો સિલસિલો યથાવત છે. આ દરમિયાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ વર્ષે અમેરિકી ડોલર સામે ભારતીય ચલણ રૂપિયામાં 8 ટકાના ઘટાડાને બહુ મહત્વ આપ્યું નથી. તેમણે કહ્યું હતું કે રૂપિયો નબળો નથી થઈ રહ્યો, પરંતુ ડૉલર વધુ મજબૂત બન્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારતીય રૂપિયો અમેરિકાના ચલણ સામે ઘટીને સર્વકાલિન નીચી સપાટી એટલે કે 83.29 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકમાં હાજરી આપ્યા બાદ સીતારમણે પત્રકારોને જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત છે. તેમણે કહ્યું કે અમેરિકી ડોલર મજબૂત થવા છતાં ભારતીય રૂપિયો સ્થિર રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે ભારતમાં મોંઘવારી વિશ્વના અન્ય ભાગોની સરખામણીએ ઓછી છે અને વર્તમાન સ્તરે તેનો સામનો કરી શકાય છે.


જો કે સામાન્ય માણસના દૃષ્ટિકોણથી વિચારીએ તો બંને સ્થિતિમાં તેના કારણે મુશ્કેલીઓ વધવાની જ છે. રૂપિયો ઘટે કે ડૉલર વધે, બંને સંજોગોમાં ચીજવસ્તુઓની આયાત માટે મોટી માત્રામાં ચલણ દેશની બહાર જશે. તેની અસર આખરે દેશમાં મોંઘવારી વધવાના સ્વરૂપમાં જોવા મળશે. પરિણામે સામાન્ય માણસ પર માર પડી રહ્યો છે.


રૂપિયાના ઘટાડાને કારણે કેવી રીતે નુકસાન થાય છે?


ડોલર સામે રૂપિયાની કિંમતમાં ઘટાડો થવાના કારણે દેશની અર્થવ્યવસ્થા પર સીધી અસર આયાત બિલમાં વધારો થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારત તેની જરૂરીયાતનું 85 ટકા ક્રૂડ આયાત કરે છે.  જ્યારે ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન થાય છે, ત્યારે પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતર, ખાદ્ય તેલ, કોલસો, સોનું, રસાયણો વગેરે જેવી આયાત કરવામાં આવતી દરેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે. આપણે વિદેશથી જે પણ માલ મંગાવીએ છીએ તેની કિંમત ડોલરમાં હોય છે. આવી સ્થિતિમાં, આપણે તે ડોલરના મૂલ્યની બરાબર રૂપિયામાં ચૂકવણી કરવી પડશે. ડોલરની કિંમત રૂપિયા સામે જેટલી વધશે તેટલું વિદેશી હુંડિયામણ આયાત માટે દેશની બહાર જશે. પરિણામે, વિદેશી મુદ્રા ભંડાર ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં દેશમાં માલની આયાત કરવી મોંઘી થશે અને તેની ભરપાઈ કરવા માટે તે માલની કિંમત ભારતની અંદર વધારવી પડશે. આરબીઆઈની ગણતરી મુજબ, રૂપિયામાં દર 5% ઘટાડો ફુગાવામાં 0.10% થી 0.15% નો વધારો કરે છે.


પેટ્રોલના ભાવ વધતા પરિવહન ખર્ચ વધે છે જેથી મોંઘવારી આસમાને પહોંચે છે


ક્રૂડ ઓઇલ ભારતના આયાત બિલનો મુખ્ય ભાગ છે, જે પેટ્રોલ-ડીઝલ, એલપીજી, પીએનજી, એટીએફ વગેરે બનાવવા માટે શુદ્ધ કરવામાં આવે છે. દેશમાં મોંઘા ક્રૂડની આયાત કરવાનો મતલબ એ છે કે તેમાંથી બનેલી વસ્તુઓ મોંઘી થાય છે અને પરિણામે સામાન્ય માણસનું બજેટ બગડે છે. પેટ્રોલ અને ડીઝલના ખર્ચને કારણે માલના પરિવહન ખર્ચમાં વધારો થાય છે અને તેની ભરપાઈ કરવા માટે ઉત્પાદકો તે માલને મોંઘો કરે છે. તેથી ફળો અને શાકભાજી સહિતની ઘણી વસ્તુઓના ભાવમાં વધારો થાય છે. સીએનજી, એલપીજી, પીએનજી મોંઘા થતાં ડ્રાઇવિંગ અને રસોઈ મોંઘી થઈ ગઈ છે. ATFની કિંમતમાં વધારાને કારણે એર ટિકિટની કિંમતમાં વધારો થશે એટલે કે હવાઈ મુસાફરી મોંઘી છે. ઘટતા રૂપિયાની આ અસર ક્રૂડ સિવાય આયાત થતી તમામ ચીજો પર પડે છે. જેમાં ખાદ્યતેલથી માંડીને ખાતર અને સ્ટીલનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, આ આયાતી વસ્તુઓનો કાચા માલ તરીકે ઉપયોગ કરીને બનતા માલની કિંમત પણ વધી જાય છે.



વિદેશી દેવા પર વ્યાજનો બોજ વધે છે


રૂપિયો ઘટતા દેશને બીજુ મોટું નુકસાન એ થાય છે કે તે વિદેશી ચલણમાં લીધેલી તમામ લોન અને તેના પર ચૂકવવામાં આવતા વ્યાજમાં અચાનક વધારો કરે છે. તેમાં સરકાર દ્વારા લેવામાં આવેલી વિદેશી લોન ઉપરાંત સરકારી અને ખાનગી બેંકો અને કંપનીઓ દ્વારા લેવામાં આવેલી વિદેશી ચલણ લોનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસ કરવો પણ મોંઘો થઈ જાય છે.


શેરબજારમાં પણ ઉથલપાથલ થાય છે


રૂપિયામાં સતત ઘટાડાને કારણે શેરબજારમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોનો આત્મવિશ્વાસ ઘટે છે અને ડૉલરની મજબૂતાઈ જોઈને તેઓ ભારતીય શેરબજારમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરે છે. પરિણામે શેરબજારો નીચે આવે છે. વિદેશી રોકાણકારોના આ પગલાને કારણે રૂપિયામાં વધુ નબળાઈ આવવાનું જોખમ છે. છેલ્લા ત્રણ મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 7 હજાર કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે.


ડોલર સામે રૂપિયો તથા અન્ય દેશોનું ચલણ કેટલું ઘટ્યું?


India INR: -9.64%

Australia AUD: -15.78%

Chinese Remnibi: -12.49%

Euro: -16.27%

NZ Dollar: -22.85%

S Korean Won: -20.94%

UK GBP: -17.80%

Japan Yen: -28.39%

Pakistan Rupee: -25.46%


રૂપિયાને તુટતો બચાવવા જતા વિદેશી હુંડિયામણ ઘટી રહ્યું છે


બ્લૂમબર્ગના તાજેતરના રિપોર્ટમાં જણાવાયું છે કે વિશ્વભરમાં વિદેશી ચલણના ભંડારમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ભારતથી લઈને ચેક રિપબ્લિક સુધી, ઘણા દેશોમાં કેન્દ્રીય બેંકોએ તેમની સંબંધિત કરન્સીને સમર્થન આપવા માટે હસ્તક્ષેપ કર્યો છે. ભારતની જ વાત કરીએ તો, 7 ઓક્ટોબર, 2022 સુધીમાં ભારતનું ફોરેન રિઝર્વ 532.87 બિલિયન ડોલર હતું, જે એક વર્ષ અગાઉ 642.45 બિલિયન ડોલર જેટલું હતું



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?