ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. કોંગ્રેસ અને આપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ ઉમેદવારોને લઈ મનોમંથન કરી રહી છે. કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તે અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ રવિવારની મોડી રાત્રે ગુપ્ત બેઠક કરી હતી. એક ફાર્મ હાઉસમાં આ બેઠક યોજાઈ હતી પરંતુ આ બેઠકમાં મધુશ્રીવાસ્તવ હાજર ન હતા. જેને લઈ રાજકારણ ગરમાયું છે.
રૂપાલાએ ફરી સેન્સ લીધા હોવાની ચર્ચા
ચૂંટણી જાહેર થતાં જ રાજકીય હલચલો જોવા મળી રહી છે. વડોદરામાં મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ગુપ્ત બેઠક કરી હતી. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી રાત્રે અચાનક વડોદરા પહોંચ્યા હતા અને એક બેઠક કરી હતી. આ બેઠક તેમણે ભાજપના વાઘોડિયા બેઠકના દાવેદારો તેમજ હોદ્દેદારો સાથે કરી હતી. પરંતુ નોંધ લેવા જેવી વાત એ છે કે આ બેઠકમાં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ હાજર ન હતા. આ મિટીંગથી શ્રીવાસ્તવને દૂર રાખવામાં આવ્યા હતા. જેને લઈ અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે.
બેઠકમાં ન બોલાવાયા વાઘોડિયાના ધારાસભ્યને
ઉમેદવારને મેદાનમાં ઉતારતા પેહલા ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે રૂપાલાની આ બેઠકને લઈ એવું માનવામાં આવી રહ્યું છે કે વાઘોડિયામાં પરષોત્તમ રૂપાલાએ સેન્સ લીધી છે. પરંતુ મધુશ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રખાતા તેમનું પત્તુ કપાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.