ગુજરાતમાં સરકારના તમામ પ્રયાસો છતાં લોકો એજન્ટો પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી લે છે. એજન્ટોની RTO કચેરીઓના કર્મચારીઓ સાથેની સાંઠગાંઠના કારણે ટેસ્ટ આપ્યા વગર પણ લોકો ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી લે છે. જો કે હવે RTOમાં ગેરરીતિને અટકાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવશે. વિગતો મુજબ હવે RTOમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં ચાલે. મહત્વનું છે કે, હવે RTO તંત્ર પણ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. જે મુજબ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર કર્મચારીને બોડીવોર્ન કેમેરા લગાવાશે.
RTO કચેરીના કર્મીઓ કેમેરાથી સજ્જ
રાજ્યમાં હવે RTOમાં કોઈ ગેરરીતિ આચરી ન શકે તેવી કવાયત હાથ ધરાઇ છે. હવે દરેક RTO તંત્ર પણ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. જેને લઈ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર કર્મચારી, દંડ વસૂલવાની શાખાના કર્મીઓ અને વાહનોના ફિટનેસની સકાસણી કરતા કર્મીઓના ખભા ઉપર બોડી વોર્ન કેમેરા લાગશે. જેથી આ કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખી શકશે. મહત્વનું છે કે, આ કેમેરામાં કર્મચારીનો વીડિયો અને ઓડિયો રેકોર્ડ થશે. જેને લઈ RTO તંત્રનો વહીવટ અને પ્રક્રિયા પારદર્શક બની રહે.
અત્યાધુનિક છે બોડી વોર્ન કેમેરા
બોડી વોર્ન કેમેરા ડિઝિટલ ઈન્સ્ટ્રમેન્ટ છે એટલું નાનું અને વજનમાં હલકું હોવાથી કર્મચારીઆના ખભા પાસે યુનિફોર્મ ઉપર ફીટ કરી શકાય છે. આ કેમેરામાં એક લેન્સ હોય છે, જેને ચારેય દિશામાં ફેરવી શકાય છે. એટલે કે રેકોર્ડિંગ કોઈપણ એંગલથી કરી શકાય છે. એક કેમેરાની કિંમત લગભગ 25 હજાર રૂપિયા છે. કેમેરા ડેટા 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. આ કેમેરા GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) અને GPRS (જનરલ પોકેટ રેડિયો સર્વિસ) દ્વારા સીધા જ કંટ્રોલ રૂમ સાથે લિંક કરી શકાય છે. ત્યાં બેઠેલા અધિકારીઓ કોઈપણ સમયે દરેક જવાનની એક્ટિવિટી ઓનલાઈન જોઈ શકશે.