વાહન ચાલક ડ્રાઈવિંગ લાયસન્સ હોવા છતાં પણ જો કોઈ બેફામ ડ્રાઈવિંગ કરેશે તો તેના વિરૂધ્ધ કાર્યવાહી થઈ શકે છે. રસ્તાઓ પર રફ ડ્રાઈવિંગ કરી બીજા લોકો માટે ઘાતક બનતા આવા તત્વો યોગ્ય રીતે ડ્રાઈવિંગ કરે તે માટે આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ બેફામ ડ્રાઈવિંગ કરે છે અને તેની સામે RTOમાં ફરિયાદ કરવામાં આવે છે તો આ વ્યક્તિનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ થઈ શકે છે. અમદાવાદ આરટીઓને લાયસન્સ રદ કરવા માટે અત્યાર સુધીમાં આવી 850 દરખાસ્ત મળી છે.
RTOને મળી 850 જેટલી અરજીઓ
અમદાવાદ RTO કચેરીમાં લાયસન્સ રદ કરવા માટેની દરખાસ્તો આવી હતી. જેમાં ગુજરાત પોલીસ, રાજસ્થાન પોલીસ, ગોવા પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી દરખાસ્ત મળી છે. અત્યાર સુધીમાં કુલ 850 જેટલી અરજીઓ મળી છે. જેમાંથી 700થી વધુ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. લાયસન્સ રદ કરવા પાછળનો મુખ્ય કારણ એ છે કે, હિટ એન્ડ રન કેસ અથવા ફેટલ અકસ્માત જેવા કેસમાં લાયસન્સ રદ કરવામાં આવે છે. ગુજરાત બહારથી પણ અરજીઓ આવી હતી. કારણ કે ગુજરાતમાંથી વાહન બહાર ગયા હોય અને અકસ્માતમાં ફરિયાદ થાય તેવા સંજોગોમાં બહારની પોલીસ દ્વારા લાયસન્સ રદ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં 700થી વધુ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત 150 ડ્રાઈવિંગ લાયસન્સ પર સુનાવણી ચાલું છે.