રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (RSS)ના સહ-સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ ગુરુવારે એક મહત્વનું નિવેદન કર્યું છે. રાજસ્થનાના જયપુરમાં બિરલા ઓડિટોરિયમમાં આયોજીત દીનદયાલ સ્મૃતિ લેક્ચરમાં તેમણે કહ્યું હતું, 'ભારતમાં રહેનારા તમામ લોકો હિંદુ છે, કારણ કે તેમના પૂર્વજો હિંદુ હતા. તેમની પૂજાની પદ્ધતિ અલગ હોઈ શકે છે, પરંતુ તે તમામ લોકોનાં DNA એક જ છે.'
સંઘ વસુધૈવ કુટુંબકમની ભાવનામાં માને છે
દત્તાત્રેય હોસબાલે વધુમાં કહ્યું, કે 'ભારતમાં 600થી વધુ જનજાતિઓ કહેતી હતી કે અમે અલગ છીએ, અમે હિંદુ નથી. ભારતવિરોધી શક્તિઓએ તેમને ઉશ્કેરવાનું કામ કર્યું હતું. આ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કર્મઠ નેતા માધવરાવ ગોલવલકર 'ગુરૂજી'એ કહ્યું હતું કે તે તમામ લોકો હિંદુ છે. તેમના માટે દરવાજા બંધ નથી, કારણ કે અમે વસુધૈવ કુટુંબકમની ભાવના પર કામ કરીએ છીએ. જો કોઈએ ભય કે મજબૂરીમાં ગૌમાંસ ખાધું હોય અને કોઈ કારણસર તેઓ ધર્મપરિવર્તિત થયા હોય, તો તેમના માટે દરવાજો બંધ કરી શકાય નહીં. આજે પણ તેઓ ઘર વાપસી કરી શકે શકે છે.
ભારતને પિતૃભૂમિ માનનાર તમામ હિંદુ
દીનદયાલ સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં હોસબાલેએ ભારપૂર્વક કહ્યું, કે 'ભારત હિંદુ રાષ્ટ્ર છે, કારણ કે આ દેશને બનાવનાર હિંદુ લોકો છે. કેટલાક લોકો કહે છે કે વેદ પુરાણમાં હિંદુ નથી, પરંતુ વેદ પુરાણમાં એવું ક્યાંય પણ નથી કે તેમને સ્વીકારવામાં નહીં આવે. તેમણે આગળ જણાવ્યું, સત્ય અને ઉપયોગી વાતનો સ્વીકાર કરવો જોઈએ. ડો. હેડગેવાર તે વ્યાખ્યામાં ન પડ્યા કે હિંદુ કોણ છે. ભારતની ધરતીને પિતૃભૂમિ માનનાર હિંદુ છે, જેમના પૂર્વજો હિંદુ છે, તે લોકો હિંદુ છે. જે પોતાને હિંદુ માને છે, તે હિંદુ છે, જેમને આપણે હિંદુ કહીએ છીએ, તે હિંદુ છે.'