માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રી હોવાને કારણે માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટતી હોય છે. માતાજીના આશીર્વાદ મળે તે માટે વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. ઘટ સ્થાપન કરી તેમાં જવેરાનું વાવેતર કરવામાં આવે છે. નવરાત્રીને લઈ અનેક રાજવી પરિવારો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે મહીસાગરના લુણાવાડામાં પાંચસો ચોપન(554) વર્ષ જૂનું રાજવી પરિવારની કુળદેવીનું ભુવનેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. રાજવી પરિવાર દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે ચોસઠ જોગણી કુંભ સ્થાપન કરી જવારા વાવી અનોખી પરંપરાથી નવરાત્રી મનાવવામાં આવે છે.
રાજવી પરિવાર દ્વારા કરાયું જવેરાનું વાવેતર
નવરાત્રી દરમિયાન જવેરા વાવમાં આવે છે. નવરાત્રી દરમિયાન ઘટ સ્થાપન પણ કરવામાં આવે છે. માતાજીની પૂજા અલગ અલગ દ્રવ્યોથી અલગ અલગ ઉપચારથી કરવામાં આવે છે. જવેરાનું મહત્વ વિશેષ હોય છે. જવેરાને લઈ એવી માન્યતા છે કે જવારા ભવિષ્ય સંબંધિત અનેક સંકેતો આપે છે. એવું માનવામાં આવે છે કે જવારા જેમ જેમ વધે છે તેમ તેમ ઘરમાં સુખ અને સંપત્તિ વધે છે. ઘરમાં માતાજીની કૃપા આવે છે અને સમૃદ્ધિ આવે છે. ત્યારે મહીસાગરના રાજવી પરિવાર દ્વારા તેમની કુળદેવી ભુવનેશ્વરી માતાજી મંદિરમાં રાજવી પરંપરા મુજબ ચોસઠ જોગણી કુંભનું સ્થાપન કરી જવારા વાવવામાં આવ્યા છે.
રાજમહેલનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે
524 વર્ષ જૂના એવા પૌરાણીક મંદિરમાં લુણાવાડાના ચુમાલિસમાં મહારાજ શ્રી સિદ્ધરાજસિંહ દ્વારા જવારાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ જવેરાના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો મહીસાગર આવતા હોય છે. જવેરાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. સામાન્ય દિવસોમાં રાજમહેલમાં આવેલું મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવતું હોય છે પરંતુ નવરાત્રી દરમિયાન રાજ મહેલમાં આવેલું રાજવી પરિવારના કુળદેવીનું મંદિર નવરાત્રી દરમિયાન ભક્તો દર્શન કરી શકે તે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે.