ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણી આવતા જ સામાજિક સંગઠનો દ્વારા સામાજિક કાર્યક્રમ અને સામાજિક મેળવવા થઈ રહ્યા છે જેમાં સમાજના લોકો મુખ્યત્વે ગાંધીનગર આવીને પોતાના સમાજના કાર્યક્રમ કરી રહ્યા છે, જે તે સમાજના આગેવાનો દ્વારા સમાજને કોઈ એક પાર્ટી પ્રત્યે અભિમુખ કરવા માટે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે.
રોહિત સમાજનું સૌપ્રથમ મહા સંમેલન
સમગ્ર ગુજરાતના રોહિત સમાજનું સૌપ્રથમ મહા સંમેલન આજે ગાંધીનગરનાં સેકટર 11માં આવેલ રામ કથા મેદાનમાં યોજાયું હતું. આ મહા સંમેલનમાં રાજ્યમાં વસતા 26 જેટલાં અલગ અલગ પરગણા સમૂહના ગામોના લગભગ 1 લાખ જેટલા અનુસૂચિત જાતિના રોહિત સમાજના લોકો આવ્યા હતા.
જીગ્નેશ મેવાણીના દલિત અધિકારીઓ પર ચાબખા
આ મહા સંમેલનમાં હાજર રહેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિત અધિકારીઓને નિશાન બનાવી પ્રહારો કર્યા હતા. જીગ્નેશ મેવાણીએ દલિત અધિકારીઓ ચાપલૂસીયા કહ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે પણ દલિત સમાજ પર દમન ગુજારવામાં આવે છે ત્યારે સરકારના આ ચાપલૂસીયા અધિકારીઓ ચૂપ રહેશે.
જીગ્નેશ મેવાણીએ તેમના 40 મિનિટના ભાષણમાં સામાજીક મુદ્દાઓ અને સમાજની એકતાની વાત કરી હતી. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે હું કોઇ ગોર, પરગણા કે પેટા જ્ઞાતિનો નેતા નથી હું સમગ્ર ગુજરાતના 50 લાખ દલિતોનો નેતા છું. મેવાણીએ સમાજને આગળ આવવા જાતિના વાડા છોડી સમાજની જ્ઞાતિઓ વચ્ચે આંતર જ્ઞાતિય લગ્ન થાય એ સંદેશ લોકોને આપ્યો હતો. દલિતો ઉપર થતાં અત્યાચાર મુદ્દે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સમાજના લોકો ઉપર અત્યાચાર થાય છે ત્યારે સમાજના અનામતથી બનેલા અધિકારીઓ પર મને ભરોસો હોતો નથી અને જેના કારણે હું SIT ની ટીમમાં દલિત અધિકારી સિવાયના અધિકારીની માંગણી કરું છું કારણ કે દલિત સમાજના અધિકારીઓ સરકારની ચાપલૂસી કરે છે.
દલિતોએ એક થવાનું છે
જીગ્નેશ મેવાણીએ તેમના ભાષણમાં બાબા સાહેબ અને સંત રોહિદાસજીને યાદ કરતા તેમના સંદેશને આગળ વધારવા દલિતોની એકતા પર ભાર મુક્યો હતો, દુનિયાના દલિતોએ એક થવાનું છે અને સરકાર કોઇ પણની પણ હોય, સમાજ સાથે અન્યાય થશે ત્યારે ન્યાય માટે ઊભો રહીશ અને પક્ષ પછી આવે છે. તેમણે કહ્યું કે હવે કોઇ દલિત સમાજનો વરઘોડો રોકવાનો પ્રયત્ન કરશે તો તેની જાન અમે હેલિકોપ્ટરમાં કાઢીશું.
સમગ્ર ગુજરાતના રોહિત સમાજના મહાસંમેલનમાં જીગ્નેશ મેવાણી મેવાણી ઉપરાંત મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી અને એ સિવાય રોહિત સમાજમાંથી આવતા મંત્રી મનીષાબેન વકીલ, ધારાસભ્ય કરશનભાઈ સોલંકીએ પણ હાજરી ઉપસ્થિત રહ્યા હતા.