ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી નદીઓનો મહિમાગાન થતો આવ્યો છે. જો કે તાજેતરમાં કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની રિપોર્ટે સૌને ચોંકાવી દીધા છે. કેન્દ્ર સરકારના આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દેશની મોટાભાગની નદીઓનું પાણી પીવા યોગ્ય નથી. આ રિપોર્ટ માટે દેશની 279 નદીઓના 311 વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે મુજબ આ નદીઓનું પાણી સરકારના માપદંડો સામે ખુબ જ ખરાબ છે. પર્યાવરણ વિભાગે આ રિપોર્ટના આધારે સંસદમાં આ જાણકારી આપી છે.
603 નદીઓના પાણીનું એનાલિસીસ
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા 4484 સ્થાનો પર પાણીની ગુણવત્તા પર નજર રાખવામાં આવે છે. આ તપાસમાં 2022, 2021 અને 2019 માં 603 નદીઓના પાણીની ગુણવત્તાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ દેશના તમામ રાજ્યોની તુલનામાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને બિહારની નદીઓ સૌથી વધુ પ્રદુષિત છે. દેશના 11 રાજ્યો એવા છે, જ્યાં નદી ખુબ જ પ્રદુષિત છે. આ રાજ્યોમાં આસામ, બિહાર, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.