22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય સમારોહ યોજાવાનો છે. રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થવાના છે. કોંગ્રેસે આ કાર્યક્રમમાં આવવાની ના પાડી છે જે બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના આમંત્રણ અસ્વીકાર કરવા બદલ પ્રતિક્રિયા આપી હતી. જેને લઈને કોંગ્રેસ પક્ષમાં રહેલા નણંદ નયનાબા જાડેજાએ પણ તેનો વળતો જવાબ આપ્યો હતો.
કોંગ્રેસે કાર્યક્રમમાં સામેલ થવાનો કર્યો છે ઈન્કાર
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ લલ્લાની પ્રતિમાની મંદિરમાં સ્થાપના કરવામાં આવવાની છે. 22 જાન્યુઆરીએ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ભક્તોમાં આને લઈ ઉત્સાહ છે પરંતુ આને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આ આમંત્રણને ઠુકરાવવામાં આવ્યું છે જે બાદ કોંગ્રેસમાં અંદરો અંદર વિવાદ છેડાયો છે. ભાજપના નેતાઓ દ્વારા આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.
રામ મંદિર મુદ્દે રીવાબા જાડેજાએ આપ્યું નિવેદન
આમંત્રણનો અસ્વીકાર કરાતા દેશનું રાજકારણ તો ગરમાયું છે પરંતુ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. આ બધા વચ્ચે રિવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી, ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેનો આ કાર્યક્રમ નથી. આ પ્રભુ શ્રીરામ અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એને એમની આસ્થા એમની શ્રદ્ધાને આ વધામણા અને પ્રભુ શ્રી રામના જ્યારે અવસર હોય ત્યારે સાથે મળી અને આ 500 વર્ષથી જે એક પેન્ડિંગ પ્રશ્નો હતો ત્યારે વડાપ્રધાનના માધ્યમ દ્વારા પ્રભુ શ્રીરામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો હોય, ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રીરામને આપ સૌ બધા આવકારો એવી જ આપ સૌને અભ્યકતા.
નયના બા જાડેજાએ નામ લીધા વગર કર્યો કટાક્ષ
ત્યારે આ નિવેદનથી તેમના કોંગ્રેસ પક્ષમાં રહેલા નણંદ નયનાબા જાડેજાએ તેમને વળતો જવાબ આપ્યો છે. નામ લીધા વગર માર્મિક કટાક્ષ કરીને નયના બાએ જવાબ ચોપડાવી દીધો હતો. તેમણે કહ્યું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી તમે છોટાકાશિમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ થઈ શકે છે. નવી પાર્લામેન્ટનું ઉદાહરણ ટાંકતાં તેમણે સવાલ કર્યો કે શું પાર્લામેન્ટ પુરે પુરી તૈયાર નતી થઈ તો પણ શું તમે તેને શરૂ કરી દીધી હતી. નણંદ ભોજાઈની આ તીખી નોંકજોક ફરી એક વખત સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બન્યો છે.