હિંદુ ધર્મ ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વસ્તરે પ્રખ્યાત થયેલો ધર્મ છે. ભારતમાં તો કથાઓનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ વિદેશની ધરતી પર પણ કથાઓ આયોજીત થતી હોય છે. ગરબાનું આયોજન પણ વિદેશની ધરતી પર પણ થવા લાગ્યું છે, વિદેશમાં રહેતા ભારતીયો પણ રંગેચંગે ગરબાના આયોજનમાં ભાગ લેતા હોય છે. ત્યારે હમણાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ભક્તો તો ઉપસ્થિત હતા પરંતુ બ્રિટનના વડાપ્રધાન અને મૂળ ભારતીય એવા ઋષિ સુનકે મોરારી બાપુની કથામાં હાજરી આપી હતી. 15 ઓગસ્ટના રોજ ઋષિ સૂનકે કથામાં હાજરી આપી હતી, વ્યાસપીઠનું પૂજન કર્યું હતું અને જય સિયા રામના નારા લગાવ્યા હતા.
કેમ્બ્રિજ યુનિવર્સિટિમાં કરાયું છે મોરારી બાપુની કથાનું આયોજન
અનેક લોકો કહે છે કે મોરારી બાપુ દ્વારા કરવામાં આવતી રામકથાને સાંભળવાનો એક લહાવો છે. અલગ અલગ દેશોમાં મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે હમણાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કથાનું આયોજન કરવામાં આવ્યું. આ કથાનો લાભ લેવા બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સૂનક પણ કથા મંડપમાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચી તેમણે કહ્યું કે રામકથા સાંભળવા માટે પ્રધાનમંત્રીની હૈસિયતથી નહીં પરંતુ એક હિંદુ હોવાને નાતે આવ્યો છું. પોતાના સંબોધનની શરૂઆત જ ઋષિ સૂનકે જય સિયારામ કરીને કહી હતી. કથા સાંભળવવા આવેલા ભક્તોએ પણ જવાબમાં જય સિયારામ અને આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વડાપ્રધાન તરીકે નહીં પણ હિંદુ તરીકે આવ્યો છું - ઋષિ સુનક
પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે “ભારતીય સ્વતંત્રતા દિવસ પર કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે આજે મોરારિ બાપુની રામ કથામાં અહીં હાજર રહેવું ખરેખર એક સન્માન અને આનંદની વાત છે. બાપુ, આજે હું અહીં વડાપ્રધાન તરીકે નહીં પણ એક હિન્દુ તરીકે છું! મારા માટે વિશ્વાસ ખૂબ જ વ્યક્તિગત છે. તે મને મારા જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન બનવું એ એક મહાન સન્માનની વાત છે, પરંતુ આ સરળ કામ નથી. અઘરા નિર્ણયો લેવાના હોય છે.” વધુમાં ઋષિ સુનકે કહ્યું કે તેમને બ્રિટિશ હોવા પર પણ ગર્વ છે અને હિંદુ હોવા પર પણ ગર્વ છે. ઋષિ સુનકે વ્યાસપીઠની પૂજા કરી હતી.